Advertisement

ST બસ મુસાફરો માટે ખુશખબર, સીટ પર જમવાનું મળશે: ઓનલાઈન ટિકિટ સાથે હવે ફૂડ પણ ઓર્ડર થશે

ST બસ મુસાફરો માટે ખુશખબર, સીટ પર જમવાનું મળશે: ઓનલાઈન ટિકિટ સાથે હવે ફૂડ પણ ઓર્ડર થશે

ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોને વધુ સુવિધા આપવા એક નવી પહેલ હાથ ધરવામાં આવી છે. હવે એક્સપ્રેસ ST બસોમાં મુસાફરી કરતી વખતે મુસાફરોને જમવાનું પણ મળશે. વિમાન અને રેલવેની જેમ હવે બસમાં બેઠા બેઠા પેકડ ફૂડ મેળવવાની સુવિધા શરૂ થવા જઈ રહી છે. ‘Food On Bus’ નામની આ સેવા પ્રાયોગિક ધોરણે અમદાવાદથી શરૂ કરવામાં આવશે.

આ પ્રોજેક્ટ હેઠળ અમદાવાદના વિવિધ પિકઅપ પોઈન્ટ્સ જેમ કે પાલડી, સી.ટી.એમ, કૃષ્ણનગર, નરોડા પાટીયા, નારોલ ક્રોસ રોડ, સરખેજ, રાણીપ, નેહરુનગર, ઓઢવ, અડાલજ અને જશોદાનગર સહિતના સ્ટેન્ડ પરથી પસાર થતી એક્સપ્રેસ બસોમાં મુસાફરોને ચાલુ બસે જ પેકડ ફૂડ પૂરૂં પાડવામાં આવશે.

ઓનલાઈન ટિકિટ બુક કરાવતા ફૂડ પણ ઓર્ડર કરી શકશે

મુસાફરો હવે STની ઓનલાઇન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (OPRS) પર ટિકિટ બુક કરતી વખતે જ ફૂડ પણ ઓર્ડર કરી શકશે. મુસાફરી દરમિયાન પણ ઓનલાઇન ફૂડ બુક કરવાની સુવિધા રહેશે. જે સ્થળે ફૂડ લેવાનું હોય, તે સ્થળે પહોંચતા ઓછામાં ઓછા ત્રણ કલાક પહેલાં ઓર્ડર કરવો ફરજિયાત રહેશે.

ST નિગમના જણાવ્યા અનુસાર, આ સેવા માટે અલગ-અલગ એજન્સીઓ પાસેથી Expression of Interest મારફતે ભાવ મંગાવવામાં આવ્યા છે. પસંદ થયેલી એજન્સીને કડક નિયમોનું પાલન કરવું પડશે. બસમાં તમાકુ, ગુટકા, બિડી, નોનવેજ અથવા પ્રતિબંધિત વસ્તુઓ આપવાની મંજૂરી નહીં મળે. સમયસર ફૂડ ન પહોંચાડવા કે અનિયમિતતા જણાય તો રૂ.5,000 થી રૂ.10,000 સુધીનો દંડ પણ વસૂલવામાં આવશે.

આ નવી સુવિધાથી લાંબી મુસાફરી કરનારા મુસાફરોને ખાસ રાહત મળશે અને ST બસ યાત્રા વધુ આરામદાયક બનશે.

Advertisement