Advertisement

SP યુનિ.ની મહિલા કબડ્ડી ટીમ સાથે અન્યાય! લાતુર ટુર્નામેન્ટમાંથી પાછા ખેંચાતા વિવાદ

SP યુનિ.ની મહિલા કબડ્ડી ટીમ સાથે અન્યાય! લાતુર ટુર્નામેન્ટમાંથી પાછા ખેંચાતા વિવાદ

SP યુનિ.ની મહિલા કબડ્ડી ટીમ સાથે અન્યાય! લાતુર ટુર્નામેન્ટમાંથી પાછા ખેંચાતા વિવાદ

વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ગત મહિને આંતર કોલેજ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું. જે પૈકી કબડ્ડી લીગની પણ સ્પર્ધા યોજાયા બાદ યુનિવર્સિટીની કમિટી દ્વારા લાતુર ખાતે યોજાનાર વેસ્ટ ઝોન યુનિવર્સિટી કબડ્ડી ટુર્નામેન્ટ અંતર્ગત વિદ્યાર્થિનીઓની ટીમ પસંદગી કરાઈ હતી.

આ ટીમમાં પસંદ થયેલી વિદ્યાર્થિનીઓએ તનતોડ મહેનત શરૂ કરી હતી અને આ ટુર્નામેન્ટમાં વિજય મેળવી, યુનિવર્સિટીનું નામ રોશન થાય તેવા શમણાં સેવ્યા હતાં. પરંતુ, છેલ્લી ઘડીએ યુનિવર્સિટી દ્વારા આ ટુર્નામેન્ટમાં ભાગ ન લેવાનો નિર્ણય કરાતાં વિવાદ સર્જાયો હતો.

વિદ્યાર્થિનીઓની મહેનત પર પાણી ફરી વળ્યું

આ અંગેની જાણ યુનિવર્સિટીના પૂર્વ સિન્ડીકેટ સભ્ય અલ્પેશ પુરોહિતને થતાં તેઓએ ન્યાય માટે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર, રજીસ્ટ્રાર તેમજ જિલ્લા કલેક્ટરનો સંપર્ક સાધી રજૂઆત કરી હતી. વિદ્યાર્થિનીઓએ નવનિયુક્ત કેબિનેટ મંત્રી રમણ સોલંકી (ધારાસભ્ય, બોરસદ)ને ફોન કરી આ અંગેની રજૂઆત કરી હતી. પરંતુ, જે તે વખતે દિવાળીની રજાઓ હોવાથી કોઈ નિવેડો આવ્યો ન હતો અને વિદ્યાર્થિનીઓની મહેનત પર પાણી ફરી વળ્યું હતું.

કબડ્ડી ટીમની વિદ્યાર્થિનીઓ જોડે થયેલા અન્યાય મામલે યુનિવર્સિટીના પૂર્વ સિન્ડીકેટ સભ્ય અલ્પેશ પુરોહિતે આજરોજ યુનિવર્સિટીના રજીસ્ટ્રારને મૌખિક રજૂઆત કરી છે અને જવાબદાર સામે પગલાં ભરવાની માગ કરી છે.

ટીમ બરાબર નથી, બહાર રમવા નહીં જાય તેવો મેસેજ કરાયો

યુનિવર્સિટીના પૂર્વ સિન્ડીકેટ સભ્ય અલ્પેશ પુરોહિત આ મામલે જણાવે છે કે, આ લોકોએ યુનિવર્સિટીને રાજકીય અડ્ડો બનાવી દીધો છે. ચાર જણાંની કમિટી 10 ઓક્ટોબરે કબડ્ડીની ખેલાડીઓનું ફાઇનલ સિલેક્શન કરે છે. 10 થી 16 તારીખ સુધી ખેલાડીઓ પ્રેક્ટીસ કરે છે. 16 તારીખે સાંજે એક જ સેશન માટે કોચ આવે છે અને એ કોચના આધારે વિદ્યાર્થિનીઓને આ ટીમ બરાબર નથી, ટીમ બહાર રમવા નહીં જાય તેવો મેસેજ 22 ઓક્ટોબરે કરવામાં આવે છે.

આ ખેલાડીઓ જોડે ખેલ કરાયો છે: પૂર્વ સિન્ડીકેટ સભ્ય

વધુમાં જણાવ્યું કે, વિદ્યાર્થિનીઓ સાથે થયેલા અન્યાય મુદ્દે બે દિવસ સતત વી.સી અને રજીસ્ટ્રારને મળવા ગયાં. પણ તેઓ રજાઓમાં ફરતાં રહ્યાં અને છોકરીઓ હેરાન થતી રહી. આ ખેલાડીઓ જોડે ખેલ કરવામાં આવ્યો છે અને આ ખેલ સામે અમે રજુઆત કરી છે. તેઓએ તપાસ માટે 10 દિવસનો સમય માંગ્યો છે.

તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરાશે: રજીસ્ટ્રાર

યુનિવર્સિટીના રજીસ્ટર જણાવે છે કે, આ ટીમ રમવા યોગ્ય નથી, તેવી જાણ કમિટી દ્વારા અમને કરવામાં આવી હતી. જેથી એ વિદ્યાર્થિનીઓને મોકલવામાં આવી નથી. છતાં વિદ્યાર્થિનીઓની રજુઆતોને ધ્યાને લઈ, યુનિવર્સિટી દ્વારા તપાસ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

વધુમાં જણાવ્યું કે, વિદ્યાર્થીઓને ખેલમાં પ્રોત્સાહન મળે તે માટે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ગયા વર્ષથી જ ખેલાડીઓનું દૈનિક ભથ્થું વધાર્યું છે. વિદ્યાર્થીઓ પહેલા સેકન્ડ એ.સી માં જતાં હતાં, જેના બદલે હવે થ્રીટાયર એ.સી માં મોકલવામાં આવે છે અને જરૂર જણાય તો ક્યારેક ફ્લાઇટમાં પણ વિદ્યાર્થીઓને મોકલ્યાં છે. નેશનલ કક્ષાએ રમતાં વિદ્યાર્થીઓને 50 હજારનું પ્રોત્સાહન ઈનામ પણ આપવામાં આવ્યું છે. સવાલ આ કબડ્ડીની ટીમનો છે તો કમિટીનો રિપોર્ટ અમે જોયો અને એ રિપોર્ટનો અમે હજુ પણ ગહન અભ્યાસ કરી, જો કોઈ કસુરવાર હશે તો તેની સામે નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement