સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે 'કૃષિ ક્લિનિક અને કૃષિ વ્યવસાય યોજના' અંતર્ગત તાલીમ કેન્દ્રનો પ્રારંભ કૃષિ મંત્રી જીતુ વાઘાણીના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંત્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં જેની પાસે કૃષિ જમીન હશે, તે જ સૌથી મોટો ઉદ્યોગપતિ ગણાશે.
મંત્રીએ નૂતન ભારતની પ્રગતિ માટે કૃષિ અને ટેકનોલોજીના સમન્વયને અનિવાર્ય ગણાવ્યો હતો. તેમણે પ્રાકૃતિક ખેતી પર ભાર મૂકતા રાસાયણિક ખેતીને કારણે વધતા કેન્સર જેવા રોગો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનથી આજે ખેડૂતો ડિજિટલ પેમેન્ટ તરફ વળ્યા છે.
કાર્યક્રમ દરમિયાન મંત્રીએ ખેતી ક્ષેત્રે મહિલાઓના યોગદાનને બિરદાવ્યું હતું અને 'ડ્રોન દીદી' તથા 'લખપતિ દીદી' જેવી યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઉપસ્થિત મહિલા કૃષિકો સાથે સીધો સંવાદ પણ કર્યો હતો. યુનિવર્સિટીના કુલપતિ પ્રો. નિરંજન પટેલે જણાવ્યું હતું કે, આ તાલીમ કેન્દ્ર યુવાનોને માત્ર નોકરી શોધનારા નહીં પણ નોકરી આપનારા 'એગ્રીપ્રેન્યોર' બનાવશે.
આ તકે મહાનુભાવોના હસ્તે મહિલા ખેડૂતોના યોગદાન પર આધારિત પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. ઉદઘાટન પ્રસંગે NCCSDના એક્ઝિક્યુટિવ ચેરમેન ડૉ. કિરીટ શેલત, આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડૉ. કે. બી. કથીરિયા અને ધારાસભ્ય યોગેશ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કૃષિ નિષ્ણાતોએ એગ્રી-બિઝનેસમાં રહેલી વિપુલ તકોનો લાભ લઈ યુવાનો સ્વરોજગારી મેળવી શકે છે તેમ જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં નવસારી અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ પ્રો. ડૉ. એ. આર. પાઠક, સરદાર પટેલ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ. ભાઈલાલભાઈ પટેલ, NCCSD ના સેક્રેટરી સતીષ છાયા અને AERC ના ડાયરેક્ટર ડૉ. એસ. એસ. કલમકર સહિત મોટી સંખ્યામાં અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને કૃષિ ક્ષેત્રના નિષ્ણાતો સહભાગી થયા હતા.