અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં હોર્ડિંગ્સની ફાળવણી અને વ્યવસ્થાપનમાં મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. શહેરના મુખ્ય માર્ગો પર લાગેલા હોર્ડિંગ્સ પાછળ અધિકારીઓ અને ખાનગી એજન્સીઓની મીલીભગતથી AMCને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થયું હોવાનું ટાઉન પ્લાનિંગ (TP) કમિટીની તપાસમાં સામે આવ્યું છે.
તપાસ મુજબ, AMC દ્વારા ઓક્શન પ્રક્રિયા મારફતે પારદર્શક રીતે ફાળવાયેલી જગ્યાઓને 'ચેન્જ ઓફ સાઇટ'ની નીતિના બહાને અન્ય સ્થળોએ ખસેડવામાં આવી હતી, જે નિયમોનો ખુલ્લેઆમ ભંગ છે. તપાસમાં 28 કંપનીઓએ મનમાની રીતે ફાળવાયેલી જગ્યાઓ બદલી હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત, 61 હોર્ડિંગ્સના મંજૂર સમયગાળા પૂર્ણ થયા છતાં તેને ચાલુ રાખવામાં આવ્યા હતા, જેના કારણે AMCને મોટી આવકમાંથી વંચિત રહેવું પડ્યું હતું.
TP કમિટીએ આ ગંભીર અનિયમિતતાઓ સામે આવતા તાત્કાલિક અસરથી 'ચેન્જ ઓફ સાઇટ'ની પ્રક્રિયા બંધ કરી દીધી છે. સાથે જ ભૂતકાળમાં આપવામાં આવેલી તમામ મંજૂરીઓની વિગતવાર તપાસના આદેશ આપવામાં આવ્યા છે. કમિટીના અધ્યક્ષે જણાવ્યું હતું કે, આ સમગ્ર કૌભાંડમાં અધિકારીઓ અને ખાનગી એજન્સીઓની સંડોવણી હોવાની શક્યતા છે અને તપાસ આગળ વધતા વધુ મોટા ખુલાસા થઈ શકે છે.
પ્રાથમિક અંદાજ મુજબ, આ ગેરરીતિઓને કારણે AMCને રૂ.50 કરોડથી વધુનું આર્થિક નુકસાન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. તપાસમાં AMCના એસ્ટેટ અને ટાઉન પ્લાનિંગ વિભાગના કેટલાક અધિકારીઓની ભૂમિકા પણ શંકાસ્પદ હોવાનું સામે આવ્યું છે. હવે દોષી અધિકારીઓ સામે વિભાગીય કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
TP કમિટીએ સમગ્ર મામલે વિગતવાર રિપોર્ટ તૈયાર કરીને AMC કમિશનરને સોંપ્યો છે, જેમાં સંડોવાયેલા અધિકારીઓ અને કંપનીઓના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કૌભાંડ સામે આવતા શહેરમાં ભારે ચર્ચા જગાઈ છે અને હવે સૌની નજર તપાસના અંતિમ પરિણામ અને દોષિતો સામે થનારી કાર્યવાહી પર ટકેલી છે.