Advertisement

હાઈકોર્ટમાં ઈમેઈલથી બોમ્બ ધમકી: ચીફ જસ્ટિસે કહી ‘કોર્ટ ચાલુ રહેશે’

હાઈકોર્ટમાં ઈમેઈલથી બોમ્બ ધમકી: ચીફ જસ્ટિસે કહી ‘કોર્ટ ચાલુ રહેશે’

હાઈકોર્ટમાં ઈમેઈલથી બોમ્બ ધમકી: ચીફ જસ્ટિસે કહી ‘કોર્ટ ચાલુ રહેશે’

દેશભરમાં છેલ્લા ઘણા સમયથી અજાણ્યા ઈમેલ દ્વારા કોઈને કોઈ જાહેર જગ્યાઓને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મોકલી લોકોને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આવી જ એક ઘટના છેલ્લાં બે દિવસથી વડોદરામાંથી સામે આવી રહી છે. જેમાં શાળાને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપવામાં આવી હતી. જોકે, હવે ફરી ગુજરાત હાઈકોર્ટેને પણ બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હોવાની માહિતી સામે આવી છે. નોંધનીય છે કે, આ પહેલાં 9 જૂને પણ ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હતી. 

પોલીસે શરૂ કર્યું સર્ચ ઓપરેશન

મળતી માહિતી મુજબ, ગુજરાત હાઈકોર્ટને મંગળવારે (24 જૂન) બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે. ધમકી મળતાની સાથે તંત્ર એલર્ટ થઈ ગયું છે. બોમ્બ સ્ક્વૉડ સહિતની ટીમ હાઈકોર્ટ સંકુલમાં પહોંચીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.

ઈ-મેલમાં શું લખ્યું હતું? 

મંગળવારે (24 જૂન) 7:55 વાગ્યે ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદના અધિકારીઓ (સીપીસી અને રજિસ્ટ્રાર જનરલ)ને રેની જોશીલદા (ઈમેલ: renee_joshilda@hotmail.com) તરફથી તેમના ઈમેલ આઈડી cpc-guj@aij.gov.in અને rg-hi-guj@nic.in પર એક ઈમેલ મળ્યો હતો. ઈમેલમાં ધમકી આપવામાં આવી હતી કે, ગુજરાત કોર્ટ કોમ્પ્લેક્સ પરિસરમાં 3 RDX આધારિત IED મૂકવામાં આવ્યા છે અને એક VIPને નિશાનો બનાવવામાં આવશે. ગુજરાત રાજ્યના તમામ કોર્ટ સંકુલમાં IED મૂકવામાં આવ્યા છે.

ચીફ જસ્ટિસે કોર્ટ ખાલી કરવાનો કર્યો ઈનકાર

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે ગાંધીનગર પોલીસ કંટ્રોલ રૂમને તમામ કોર્ટ પરિસરમાં તેમજ ખાસ કરીને તમામ જિલ્લા સ્તરની કોર્ટમાં AS તપાસની કામગીરી સોંપી છે. જોકે, ચીફ જસ્ટિસે આ વખતે ગઈ વખતની જેમ કોર્ટ ખાલી કરવાનો ઈનકાર કર્યો છે.

એક જ મહિનામાં બે વાર મળી ધમકી

નોંધનીય છે કે, આ પહેલાં આ જ મહિને 9 જૂનના દિવસે હાઈકોર્ટના ઈમેલ આઇડી પર અજાણી વ્યક્તિએ ઈમેલ કરી બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપી હતી. ઈમેલની જાણ થતાં તાત્કાલિક પોલીસને સંપર્ક કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ હાઇકોર્ટ પહોંચી તપાસ શરુ કરી દીધી હતી. પોલીસે હાઇકોર્ટના તમામ દરવાજાઓ બંધ કરી દીધા હતા અને ડોગ-સ્ક્વૉડ દ્વારા ચેકિંગ હાથ ધર્યું હતું. જોકે, તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહતી, પરંતુ પોલીસે આ ધમકીને ગંભીરતાથી લીધી હતી અને ઈમેલના મોકલનાર સુધી પહોંચવા માટે તપાસ શરૂ કરવામાં આવી હતી. જોકે, હજુ એ તપાસમાં કંઈ સામે આવે તે પહેલાં જ એક જ મહિનામાં બીજી વાર હાઈકોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે.

વડોદરાની શાળાઓને પણ મળી ધમકી

વડોદરામાં પણ મંગળવારે (24 જૂન) રિફાઇનરી ગુજરાત બોર્ડ સ્કૂલને બોમ્બથી ઉડાડી દેવાનો ધમકીભર્યો મેઇલ મોકલવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસ, બોમ્બ સ્ક્વૉડ, ડૉગ સ્ક્વૉડ સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને શાળામાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. શાળાના પ્રિન્સિપાલના મેઇલ આઈડી પર આ ધમકી મળી હતી. જેમાં લખ્યું હતું કે, 'સ્કૂલમાં બોમ્બ મુકાયો છે, આ બોમ્બ ફાટશે'. આ મુદ્દે માહિતી મળતાવી સાથે જ પોલીસ સહિત બોમ્બ સ્ક્વૉડની ટીમે તપાસ હાથ ધરી છે અને તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે શાળામાંથી રજા આપી દેવાઈ છે. 

એક દિવસમાં ગુજરાતની બે જગ્યાએ બોમ્બથી ઉડાડી દેવાની ધમકી

આ પહેલાં સોમવારે (23 જૂન) પણ વડોદરાની અન્ય એક નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપવામાં આવી હતી. જોકે, પોલીસ અને બોમ્બ સ્ક્વૉડની ટીમે લગભગ સાડા ત્રણ કલાક તપાસ કર્યા બાદ પણ કશું હાથ લાગ્યું નહતું. ત્યારે આજે ફરી એક દિવસમાં બે જગ્યાને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી સામે આવી છે. 

Advertisement