સેકન્ડ હેન્ડ કાર વેચશો તો ચેતજો! આણંદમાં કાર બજારનો ચોંકાવનારો કિસ્સો
જો તમે પણ તમારી કાર સેકન્ડ હેન્ડ કાર બજારમાં વેચવા માંગો છો તો ચેતી જજો. આણંદ શહેરમાં આવેલા એક જાણીતા કાર બજારમાં ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે, જેમાં રીયલ કાર બજારના માલિકે બારોબાર વેચાણ અર્થે આવેલી ભરૂચ પાર્સીંગની કાર તેના મિત્રને ફટકારી મારી હતી. વધુમાં મૂળ માલિક કાર પરત માંગી રહ્યા છે ત્યારે કાર પચાવી પાડનારો શખસ પોલીસના નામે ધમકાવીને તેમને કાર પણ પરત કરતો નથી, અને કાર વેચાણના પૈસા પણ આપતો નથી. સમગ્ર મામલે કાર બજારના માલિક અને તેના મિત્ર એમ બંને વિરૂદ્ધ દોઢેક માસ અગાઉ લેખિતમાં પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરાઈ હતી, પરંતુ પોલીસ દ્વારા તેને ધક્કા જ ખવડાવવામાં આવે છે. હજુ સુધી આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.
કાર બજારના સંચાલકની પોલીસ સાથે સાંઠગાંઠની શંકા
સફાન ઈલ્યાસ વ્હોરાએ રમીઝને અવાર-નવાર ધમકી આપી હતી. તેણે જણાવ્યું હતું કે, આણંદ જિલ્લાની પોલીસ સાથે તેને ખૂબ જ નજીકના સંબંધો છે. અને પોલીસ પણ તેની સાથે ખૂબ જ સારા સંબંધો ધરાવે છે. જેથી તેનું કોઈ કંઈ ઉખાડી શકશે નહીં. યુવકને તેણે જણાવ્યું હતું કે, તેના વિરૂદ્ધ કાર માટે ફરિયાદ આપવી હોય ત્યાં આપી દેજો, આજ પછી જો કાર માટે કોઈપણ પ્રકારનો ફોન કર્યો તો પોલીસ સાથે મળીને ખોટા કેસમાં ફસાવી દેવા સુદ્ધાંની પણ તેણે ધમકી આપી હતી.જેને લઇને પોલીસ સાથે સાંઠગાંઠની શંકા ઉદભવી છે.