સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિર નજીક લારી-ગલ્લા પર પ્રતિબંધ, હાઈકોર્ટનો દરમિયાનગીરીનો ઈનકાર
બોટાદના વિશ્વપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરની નજીક લારી-ગલ્લા સહિતના સ્ટોલ-વિક્રેતાઓ પર સરકારના સત્તાધીશો દ્વારા ફરમાવાયેલા પ્રતિબંધને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યા છે. આ અરજીની સુનાવણીમાં જસ્ટિસ નિરલ આર. મહેતાએ સત્તાધીશોએ આ નિર્ણયમાં દરમિયાનગીરી કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.
બોટાદ પોલીસનું જાહેરનામું
સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના આસપાસના સ્થાનિક વિક્રેતાઓ દ્વારા કરાયેલી રિટ અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં રજૂઆત કરવામાં આવી હતી કે, બોટાદ પોલીસ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 33D હેઠળ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું કે, તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા તેમજ સુરક્ષા અને ટ્રાફિક નિયમોને ધ્યાને રાખી 10 નરેવમ્બર સુધી મંદિરના મુખ્ય માર્ગ અને નજીકના લારી-ગલ્લા અને ફેરિયાઓ-વિક્રેતાઓની વાણિજ્યિક પ્રવૃત્તિ પર પ્રતિબંધ લાદવામાં આવે છે. જેના કારણે વર્ષોથી અહીં વેપાર-ધંધો કરી ગુજરાન ચલાવતા નાના માણસોને જીવન-મરણનો સવાલ ઊભો થયો છે. સત્તાધીશોના આ જાહેરનામાંથી તેમની આજીવિકા છીનવાઈ ગઈ છે, તેથી હાઇકોર્ટે આ વિશે હુકમ કરવો જોઈએ.
જાહેરનામાંનો વિરોધ
આ દરમિયાન સરકાર પક્ષ તરફથી અરજીનો વિરોધ કરવામાં આવ્યો. સરકાર પક્ષે જણાવ્યું કે, સત્તાધીશો દ્વારા અશાંતિ, કેટલાક અસામાજિક તત્ત્વોની હાજરીમાં બનેલી ઘટનાઓ બાદ આ પ્રતિબંધ લાદવાનો નિર્ણય કર્યો છે, જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા અને સલામતીના પણ આ કામચલાઉ પ્રતિબંધ જરૂરી છે. વળી, તહેવારોના સમયગાળા દરમિયાન દેશ-વિદેશથી આવતા લાખો શ્રદ્ધાળુઓ ભકતોની અવરજવર સુચારુરૂપે સુનિશ્ચિત કરવા અને ટ્રાફિક નિયમનના દ્રષ્ટિકોણથી પણ આ કામચલાઉ પ્રતિબંધ જરૂરી છે.
કોર્ટે કેસમાં દરમિયાનગીરીનો કર્યો ઈનકાર
પક્ષકારોને સાંભળ્યા બાદ હાઈકોર્ટે આ કેસમાં દરમિયાનગીરી કરવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. કોર્ટે કહ્યું હતું કે, સત્તાધીશો દ્વારા આ પ્રતિબંધ વ્યાપક જનહિતમાં જાહેર કરવામાં આવ્યા છે અને તેથી તેમાં દખલગીરી કરવાનું અદાલત ન્યાયોચિત માનતી નથી. હાઇકોર્ટનું વલણ જોઈ અરજદારોએ પોતાની અરજી પાછી ખેંચી લીધી હતી. જેને પગલે પોલીસનું જાહેરનામું યથાવત રહેતાં હવે સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના સંબંધિત માર્ગ પર હવે લારી-ગલ્લા અને ફેરિયા-વિક્રેતાઓથી મુક્ત રહેશે.