સાળંગપુરધામમાં ધનુર્માસ નિમિત્તે કષ્ટભંજનદેવનો દિવ્ય શણગાર, ભક્તિસભર માહોલ
બોટાદ: પવિત્ર ધનુર્માસના અવસરે સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના દરબારમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. મંગળવારના શુભ દિને પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી દાદાને વૃંદાવનમાં ખાસ તૈયાર કરાયેલા કલાત્મક એમ્બ્રોઇડરી વર્કવાળા મનોહર વાઘા અર્પણ કરવામાં આવ્યા હતા.
દાદાના સિંહાસન પર પ્રાકૃતિક ફૂલોથી કરાયેલ આકર્ષક શણગાર અને મનમોહક વાઘાએ દર્શનાર્થી ભક્તોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. વહેલી સવારે પૂ.શ્રી નૌતમ સ્વામીજી અને કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા મંગળા આરતી તેમજ શણગાર આરતી કરવામાં આવી હતી.
આ દિવ્ય દર્શનો કરવા માટે હજારો ભક્તોએ પદયાત્રા કરીને સાળંગપુરધામનો માર્ગ લીધો હતો. હાથમાં ધ્વજાઓ, ડીજેના તાલે ગાતા ભજન સાથે ભક્તોના સંઘ ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર મંદિર પરિસર 'જય કષ્ટભંજન દેવ'ના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યું હતું.
ધનુર્માસના પાવન અવસરે સાળંગપુરધામમાં દાદાનો આ અદ્ભુત વૈભવ અને દિવ્ય શણગાર ભક્તોમાં નવી ભક્તિભાવના જગાવતો રહ્યો હતો.