સામરખા જકાત નાકા પાસે કાંસની ગંદકીથી 150થી વધુ સોસાયટી અસરગ્રસ્ત
આણંદના સામરખા જકાત નાકા થી લાંભવેલથી ખંભાત તરફ પસાર થતાં કાંસમાં સાફસફાઇનો અભાવ જોવા મળ્યો છે.ત્યારે ચોમાસામાં તંત્રએ દેખાડો પૂરતી સફાઇ હાથ ધરવામાં આવતી હોવાનું સાબિત થયું છે.કારણ કે કાંસ પર પાઇપ લાઇન ચોકઅપ થઇ જતાં ગંદા પાણીનો નિકાલ નહીં થતાં પાણી ભરાઇ રહેતા હોવાથી મચ્છરોનો ઉપદ્વવ વધી ગયો હોવાથી 150થી વધુ સોસાયટીના રહીશો તોબા પોકારી ઉઠ્યા છે.
કાંસ વિભાગે સાફસફાઇની કામગીરીઓ ધરવામાં નહીં આવે તો મુખ્યમંત્રીને ફરિયાદ કરવાની રહીશોએ ચીમકી ઉચ્ચારી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ સામરખા જકાત નાકાથી લાંભવેલ તરફ પસાર થતાં કાંસની નજીક 150થી વધુ સોસાયટી આવેલી છે. ત્યારે કાંસમાં સાફસફાઇના અભાવે લીલી કુંભવેલ સહિત ગંદકીનું સામ્રાજય ફેલાઇ ગયું છે.
બીજી તરફ કાંસની ફરતે તંત્રએ સંરક્ષણ દિવાલનો અભાવ હોવાથી દિન પ્રતિદિન વાહનો કાંસ ખાબકી જવાના બનાવો વધી રહ્યાં છે.આ અંગે સ્થાનિક વિસ્તારના રહીશોએ તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં આજદીન સુધી પરિણામ શૂન્ય આવતા આક્રોષ વ્યક્ત કર્યો છે.
જો કે સોસાયટીમાં કેટલાંક રહીશો ગેરકાયદે ગંદા પાણી છોડતાં હોવાથી સમગ્ર વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત વર્તાઇ રહી છે.આગામી ચોમાસુ સિઝન પહેલા આણંદ જિલ્લા કાંસ વિભાગ દ્વારા લાંભવેલ રોડ થી ખંભાત તરફ પસાર થતાં કાંસના માર્ગ પર ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવે તો વાહન ચાલકો અને રાહદારીઓ અવર જવર કરી શકે તેમ હોવાનું જણાવ્યું હતું.
મકાનોમાં ઝેરી જતુંઓ આવી જતા હોય રહીશોમાં ભય
આણંદ સામરખા જકાત નાકાથી લાંભવેલ તરફ પસાર થતા કાંસમાં કુંભવેલનું સામ્રાજય છવાયેલ ગયેલ છે.ત્યારે ઝેરી જાનવરો મકાનમાં ધુસી જતા હોય છે.આ અંગે સ્થાનિક રહીશોએ આણંદ મનપા સહિત કાંસ વિભાગને રજૂઆત કરવા છતાંય આજદીન સુધી પરિણામ શૂન્ય આવતા આક્રોષ વ્યક્ત કર્યો હતો.તંત્રએ વહેલી તકે કાંસમાં સાફસફાઇ સહિત કામગીરીઓ હાથ ધરવામા આવે તેવી સ્થાનિક વિસ્તારના રહીશોએ માંગ ઉચ્ચારી છે.