Advertisement

સમાજ સુધારનો સંદેશ! કાસોરમાં વડીલો-યુવાનોની હાજરીમાં ફજૂલખર્ચી અને અંધશ્રદ્ધા પર કડક ચર્ચા

સમાજ સુધારનો સંદેશ! કાસોરમાં વડીલો-યુવાનોની હાજરીમાં ફજૂલખર્ચી અને અંધશ્રદ્ધા પર કડક ચર્ચા

સોજિત્રાના કાસોર ખાતે ક્ષત્રિય સમાજના ઉત્થાન અને સામાજિક સુધારાના હેતુથી એક મહત્વપૂર્ણ તાલુકા સ્તરની બેઠક યોજાઈ હતી. તાલુકાના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, વડીલો, યુવાનો અને મહિલાઓ હાજર રહ્યા હતા.

અંદાજે 36 આગેવાનો અને 1100થી વધુ નાગરિકોની હાજરીએ બેઠકને વિશેષ મહત્વ આપ્યું હતું.બેઠકમાં મુખ્યત્વે સમાજમાં વધતી જતી દેખાદેખી, ફજૂલખર્ચી અને અંધરીતિઓ પર નિયંત્રણ લાવવાના મુદ્દાઓ પર ખુલ્લી ચર્ચા કરવામાં આવી હતી.

આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે આજના સમયમાં સમાજને ખર્ચાળ પ્રથાઓ નહીં, પરંતુ સંયમ, સમજદારી અને સંસ્કારની જરૂર છે.

બેઠક દરમિયાન જન્મદિન ઉજવણીમાં અતિશય ખર્ચ, વેવિશાળ અને વસનની અતિશયતા, લગ્નમાં ડી.જે અને ભવ્ય દેખાદેખી, શ્રીમંતાઈ બતાવવાની માનસિકતા, બાધા-પૂરત જેવી અંધશ્રદ્ધા, તહેવારોમાં ફજૂલ ખર્ચ, મામેરું, છૂટાછેડા સંબંધિત સામાજિક સંવેદનશીલતા, મરણ પ્રસંગમાં અતિશય વિધિ, પ્રેમલગ્ન સહિત સમાજજીવનને અસર કરતી કુલ 18 બાબતો મુદ્દાઓ પર ચર્ચા કર્યા બાદ સૌ આગેવાનો દ્વારા સર્વસંમતિથી સ્વીકાર કરવામાં આવ્યો હતો કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાન કાનજીભાઇ પરમાર અને કાંતિભાઈ પરમારને અપાયું હતું.

ક્ષત્રિય સમાજના ઉત્થાન અને સામાજિક સુધારાના ઉદ્દેશ્ય સાથે તાલુકા સ્તરની એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં તાલુકાના વિવિધ ગામોમાંથી સમાજના આગેવાનો, પ્રતિષ્ઠિત નાગરિકો તેમજ મોટી સંખ્યામાં યુવાનો અને વડીલો હાજર રહ્યા હતા.

અંદાજે 36 જેટલા આગેવાનો તથા 1100થી વધુ નાગરિકોની હાજરીએ બેઠકને વિશેષ મહત્વ આપ્યું હતું. બેઠકમાં ઉપસ્થિત તમામ આગેવાનો દ્વારા ચર્ચાયેલા મુદ્દાઓને સર્વાનુમતે સ્વીકાર કરવામાં આવ્યો હતો.

સાથે જ નક્કી કરવામાં આવ્યું કે આગામી સમયમાં સમાજ માટે એક સ્પષ્ટ બંધારણ તૈયાર કરવામાં આવશે, જેમાં આ તમામ મુદ્દાઓ અંગે નિયમો અને માર્ગદર્શિકા નક્કી કરાશે અને ત્યારબાદ તેની અસરકારક અમલવારી કરવામાં આવશે.

આ સમગ્ર અભિયાનની શરૂઆત કાસોર ગામથી કરવામાં આવી હોવાનું જણાવાયું હતું. આગેવાનોએ આશા વ્યક્ત કરી હતી કે કાસોરથી શરૂ થયેલી આ સમાજ સુધારાની પહેલ ટૂંક સમયમાં તાલુકાના તમામ ગામોમાં પ્રેરણારૂપ બનશે અને સમાજને એક સકારાત્મક દિશામાં આગળ ધપાવશે.

બેઠકના અંતે ઉપસ્થિત નાગરિકોએ આ નિર્ણયને ખુલ્લા દિલે વધાવ્યો હતો અને સમાજના ઉત્થાન માટે આ પ્રકારના પ્રયાસો સતત ચાલુ રહે તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી. આ બેઠક ક્ષત્રિય સમાજ માટે એક નવી ચેતના અને એકતાનો સંદેશ લઈને આવી હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

Advertisement