શિક્ષણનગરી આણંદમાં દર 2 કલાકે મહિલાનો મદદ માટે કોલ
એનઆરઆઈ-શિક્ષણનગરી તરીકે આણંદ જગવિખ્યાત છે. અહીંનો સાક્ષરતા દર સરેરાશ 95 ટકાની આસપાસ છે, પરંતુ આમ છતાં હજુ પણ મહિલાઓ પરના અત્યાચારમાં કોઈ ઘટાડો થયો નથી. તાજેતરમાં મહિલા હેલ્પલાઈન અભયમે જારી કરેલા આંકડા ચોંકાવનારા છે. જેમાં છેલ્લાં એક વર્ષમાં શારીરિક-માનસિક ત્રાસ, જાતીય સતામણી, ઘરેલું હિંસા, છેડતી વિગેરે જેવી ઘટનાઓમાં પ્રતિ દિન બે કલાકના અંતરે એક કોલ મળ્યો છે. વર્ષ દરમિયાન આ અંગેના 4355 જેટલા કોલ મળ્યા હતા.
સરકાર દ્વારા મહિલાઓની હેરાનગતિને લઈને માર્ચ, 2015માં હેલ્પલાઈન શરૂ કરવામાં આવી હતી. જોકે, તે શરૂ કરવામાં આવે તેને લઈને મહિલાઓમાં તેને લઈને જાગૃતિનું પ્રમાણ પણ વધ્યું છે. મહિલાઓના શારિરીક, માનસિક, જાતીય સતામણી કે ઘરેલુ હિંસા સહિતની હેરાનગતિમાં અસરકારક કાઉન્સિલિંગ, સરકારની એજન્સીઓ સાથે સંકલન કરી મદદ, માર્ગદર્શન અને બચાવ કરવામાં આવે છે. લગ્નજીવનના વિખવાદો, પાડોશી સાથેના અણબનાવ, બિન જરૂરી કોલ મેસેજથી હેરાનગતિ, છેડતી વગેરે કિસ્સાઓમાં મદદરૂપ બની દિન-પ્રતિદિન મહિલાઓમાં વધુ વિશ્વાસ અને પ્રતિભાવ મેળવવામાં આવે છે. જેથી આજે ગુજરાતની મહિલાઓ, યુવતીઓ અને વિદ્યાર્થિનીઓ અભયમ એક સાચી સહેલી તરીકે બની રહી છે.
જાન્યુઆરી 2025 થી ડિસેમ્બર 2025 દરમિયાન અભયમ 181 મહિલા હેલ્પ લાઇનમાં મદદ માટે રાજ્યભરમાંથી કુલ 1,83,520 કોલ આવ્યા હતા. જેમાં આણંદ જિલ્લામાં 4355 જેટલા જરૂરિયાતમંદ મહિલાઓના કોલ આવ્યા હતા. જેમાંથી 926 કિસ્સાઓમાં અભયમ રેસક્યુ વાન ડિસ્પેચ, 453માં સમાધાન અને 432 મહિલાઓને બચાવ એજન્સીઓમાં રિફર કરવામાં આવ્યા હતા.