રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રવિવારે 77મા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રજોગ સંબોધનમાં દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે. આ દરમિયાન, મુર્મૂએ જણાવ્યું કે પ્રજાસત્તાક દિવસ માત્ર ઉત્સવ નથી, પરંતુ રાષ્ટ્રીય એકતા, લોકશાહી મૂલ્યો અને ગૌરવની ભાવનાને મજબૂત બનાવવાનો અવસર છે. આ દિવસ આપણને દેશના ભૂતકાળમાંથી શીખવા, વર્તમાન પર વિચાર કરવા અને ભવિષ્યની દિશા નક્કી કરવાની તક આપે છે.
તેમણે કહ્યું કે આ વર્ષે પ્રજાસત્તાક દિવસની સાથે સાથે ‘વંદે માતરમ્’ના 150 વર્ષ પૂર્ણ થવાનો ગૌરવપૂર્ણ અવસર પણ છે. ભારત સ્વતંત્ર બન્યા બાદ દેશવાસીઓને પોતાનું ભવિષ્ય સ્વયં ઘડવાનો અધિકાર મળ્યો અને સમયની સાથે ભારતે દરેક ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે.
રાષ્ટ્રપતિએ શાંતિ અને માનવતાના સંદેશ પર ભાર મૂકતાં કહ્યું કે ભારતની પરંપરામાં સમગ્ર વિશ્વમાં શાંતિ જળવાઈ રહે તેવી પ્રાર્થના કરવામાં આવે છે. આજે જ્યારે દુનિયાના અનેક ભાગોમાં અશાંતિ ફેલાયેલી છે, ત્યારે ભારત શાંતિ અને ભાઈચારાનો સંદેશ સમગ્ર વિશ્વ સુધી પહોંચાડી રહ્યું છે.
રાષ્ટ્રપતિ મુર્મૂએ દેશના વિકાસમાં વિવિધ વર્ગોની ભૂમિકાની પ્રશંસા કરીને જણાવ્યું કે સૈનિકો, પોલીસ દળો, ડોક્ટરો, નર્સો, ઇજનેરો, ખેડૂત અને જાગૃત નાગરિકો દેશને સુરક્ષિત અને સશક્ત બનાવી રહ્યા છે. કૃષિ ઉત્પાદનોની નિકાસમાં વધારો થવો ખેડૂતોની મહેનતનો પુરાવો છે.
નારી-શક્તિ અંગે બોલતાં રાષ્ટ્રપતિ મુર્મૂ કહ્યું કે મહિલાઓની વધતી ભાગીદારી ભારતની સૌથી મોટી શક્તિ છે. જન-ધન ખાતાઓ, સ્વયંસહાય જૂથો, રમતગમત અને શિક્ષણ ક્ષેત્રે મહિલાઓની સિદ્ધિઓ પ્રેરણાદાયક છે. નારી શક્તિ વંદન કાયદાથી મહિલાઓ વધુ સશક્ત બનશે.
આજે દેશમાં ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી
26 જાન્યુઆરીએ દેશભરમાં 77મો ગણતંત્ર દિવસ ભવ્ય રીતે ઉજવાશે. નવી દિલ્હીના કર્તવ્ય પથ પર ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવશે, જેમાં ભારતની સાંસ્કૃતિક વિવિધતા અને સૈન્ય શક્તિનું પ્રદર્શન કરવામાં આવશે.