Advertisement

વિપક્ષ રાજસ્થાનના 19 જિલ્લામાં 'અરવલ્લી બચાવો' આંદોલન કરશે

વિપક્ષ રાજસ્થાનના 19 જિલ્લામાં 'અરવલ્લી બચાવો' આંદોલન કરશે

નવી દિલ્હી: અરવલ્લી પર્વતમાળા બચાવવા માટે હવે મોટા પાયે વિરોધ પ્રદર્શનો થવા લાગ્યા છે. સરકારનો દાવો છે કે નવા નિયમોની અસર અરવલ્લી પર્તમાળા પર નહીં થાય જ્યારે વિરોધીઓનું કહેવુ છે કે નવા નિયમોને કારણે ૯૦ ટકા પહાડો સાફ થઇ જશે. આ સ્થિતિ વચ્ચે હવે વિપક્ષે સમગ્ર રાજસ્થાનમાં અરવલ્લી બચાવો આંદોલનની જાહેરાત કરી છે. જ્યારે બીજી તરફ સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દે લોકો દ્વારા વિરોધ વધી રહ્યો છે.

જયપુરમાં એક પ્રેસ કોન્ફરંસને સંબોધતા રાજસ્થાન કોંગ્રેસના પ્રમુખ ગોવિંદસિંહે જાહેરાત કરી હતી કે અરવલ્લી બચાવવા માટે સમગ્ર રાજસ્થાનમાં વિરોધ પ્રદર્શનો થશે, આશરે ૧૯ જિલ્લામાં કોંગ્રેસ અને અન્યો દ્વારા આ વિરોધ પ્રદર્શનો યોજવામાં આવશે. આ સાથે જ તેમણે આરોપ લગાવ્યો હતો કે અનેક કંપનીઓ પાસેથી નાણા લઇને અરવલ્લીના પહાડો ખોદી માઇનિંગ કરવાની છૂટ અપાઇ રહી છે. ભાજપના શાસનમાં ખાણ માફિયા અને અધિકારીઓ વચ્ચે મોટી પાર્ટનરશિપ થઇ છે. સરકાર સંગઠીત ગેંગની જેમ દેશના ખનીજ સંપત્તિને લૂંટી રહી છે. 

કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભુપેન્દ્ર યાદવે દાવો કર્યો હતો કે માત્ર ૦.૧૯ ટકા હિસ્સો જ ખનનની મંજૂરી આપવાને લાયક છે. આ અંગે બાદમાં જવાબ આપતા કોંગ્રેસના જનરલ સેેક્રેટરી જયરામ રમેશે પણ સવાલ ઉઠાવ્યો હતો. 

તેમણે કહ્યું હતું કે અરવલ્લીનો વિસ્તાર જોઇએ તો મંત્રીએ જે ૦.૧૯ ટકા હિસ્સાની વાત કરી છે તેની કુલ જમીન ૬૮૦૦૦ એકર થાય. એટલે કે સરકારના દાવા મુજબ ૬૮૦૦૦ એકર જમીન ખનન માટે આપી દેવાશે. કેન્દ્ર સરકાર દ્વારા સ્પષ્ટતા કરવી જોઇએ કે ખરેખર અરવલ્લીની કેટલા એકર જમીન ખનન માટે ફાળવવામાં આવશે. આ રીતે આંકડામાં લોકોને ફસાવવા ના જોઇએ.

- કોંગ્રેસ એસઆઇઆરની જેમ અરવલ્લી મુદ્દે જુઠ ફેલાવે છે : ભાજપ

નવી દિલ્હી: ભાજપે દાવો કર્યો છે કે રાજસ્થાન કોંગ્રેસ દ્વારા અરવલ્લી મુદ્દે જુઠ ફેલાવવામાં આવી રહ્યું છે. ભાજપના પ્રવક્તા રામલાલ શર્માએ કહ્યું હતું કે જુઠ ફેલાવવાનો કોંગ્રેસનો ઇતિહાસ રહ્યો છે. 

અગાઉ કોંગ્રેસ સીએએ કાયદો, એસઆઇઆર મુદ્દે પણ જુઠ ફેલાવી ચુકી છે. હવે અરવલ્લીમાં ખનન મુદ્દે જુઠ ફેલાવી રહી છે. તેમણે દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં અરવલ્લીનો એક પથ્થર પણ ખસેડવા નહીં દઇએ.

Advertisement