વાસદમાં મહીનું તાંડવ: કરોડોના બંગલા પાણીમાં ગરકાવ
ઉપરવાસમાં છેલ્લા એક સપ્તાહથી પડી રહેલા ભારે વરસાદને પગલે વણાકબોરી ડેમમાં સપાટી 235 ફૂટે પહોંચી હતી. વ્હાઇટ સિગ્નલ નજીક પહોંચતા મહી નદીમાં શનિવારે ત્રણ તબક્કામાં થઇને 7 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું
જેના કારણે આણંદ તાલુકાના વાસદ ગામે મહી નદીના બ્રિજ પર લેવલ 30 ફૂટે પહોંચતાની સાથે કોતરો અને નદી કિનારે બનાવેલા કરોડના આલીશાન 30થી વધુ બંગલામાં ફરતે પાણી ફરી વળ્યા હતાં, જ્યારે કહાંનવાડી,ઉમેટા,ચમારા, બામણગામ,ગંભીરા સહિત આણંદ તાલુકા રાજુપુરા સીમ વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા,વહેરાખાડી પાસે એક માર્ગ પર પાણી ફરી વળ્યું હતું.
આંકલાવ તાલુકાના ઉમેટા બ્રિજ પાસે રવિવાર સવારે 30 ફૂટ પાણી વહેતા જોવા મળ્યા હતા. જેના કારણે ઉમેટા સીમ વિસ્તાર તેમજ ગંભીરા, કહાંનવાડી સહિત ભાંઠા સીમ વિસ્તારમાં મહી નદીના પાણી ફરી વળતાં નદી નજીક શાકભાજી વાવેતર ને નુકશાન થવાની ભીંતી વર્તાઇ રહી છે. જો કે બપોર બાદ લેવલ ઘટવા લાગતાં ગ્રામજનોને હાશકારો અનુભવ્યો હતો.
ઉમેટા રેતી ડેપો પાસે માર્ગ પર નદીના પાણી ફરી વળ્યા
ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મહીસાગર નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે આણંદ જિલ્લાના 26 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે સતત પાણીનો પ્રવાહ વધતા આંકલાવના નદી કિનારે આવેલા ગામોમાં પુરની અસર જોવા મળી છે જેમાં ઉમેટા પાસે આવેલ રેતી ડેપો નજીક ઉમેટા થી ખડોલ તરફ જવાના માર્ગ પર પાણી ફરી વળ્યાં છે.
જેને લઈને સંખ્યાડ,ખડોલ,ચમારા જેવા ગામોના લોકોની અવરજવર અટકી છે ઉપયોગ ચમારા, બામણગામ અને ગંભીરાના ભાઠ્ઠા વિસ્તારોમા આવેલા ખેતરોમાં પાણી ઘૂસ્યા છે જેને લઈને તમાકુના ધરું અને પાકને પણ વ્યાપક નુકશાન થાય તેવી ભીતિ સેવાઇ રહી છે
તલાટી અને સરપંચને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી
નદી કાંઠાના નિચાણવાળા વિસ્તારના ગામો ખાતે મામલતદાર સહિતના અધિકારીઓની ટીમે ગામોની રૂબરૂ મુલાકાત લઈને નદીમાં પાણીનો પ્રવાહ પર ધ્યાન રાખવામાં આવી રહ્યું હતું.તેમજ નદી કિનારે કોઇ ને જવાની સુચના આપી હતી તેમજ તલાટી અને સરપંચને સાવચેત રહી તમામ વ્યવસ્થા કરવા જણાવ્યું છે.