વલસાણ પાસે ડાયવર્ઝનનો રસ્તો ધોવાયો : બંને બાજુ 1 કિમી લાંબી વાહનોની કતારો
આણંદ સોજિત્રા જોડતા માર્ગ પર વલસાણ પાસે નહેરના નાળાની કામગીરીના પગલે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. વરસાદમાં ડાયવર્ઝન આપેલ માર્ગ ધોવાઇ જતાં મોટા મોટા ખાડા પડી ગયા છે.જેના કારણે વાહનચાલકો સાચવીને વાહન પસાર કરતાં બ્રિજની બંને બાજુએ એક કિમી સુધીનો ટ્રાફિક જામ થઇ જતાં વાહન ચાલકો હેરાન પરેશાન થઇ ગયા છે. જે બાબતે સ્થાનિકોએ માર્ગ મકાન વિભાગને રજૂઆત કરવા છતાં કોઇ જ પગલાં નહીં લેવાતા વાહન ચાલકો હેરાન થઇ રહ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ સોજિત્રા રોડ પર વલાસણ પાસે નહેરના નાળાના બ્રિજની કામગીરી ચાલી રહી છે. ડાયવર્ઝન માર્ગ પર પાકો રોડ બનાવવામાં વેઠ ઉતારવામાં આવી હતી. જેના કારણે વરસાદ પડતાની સાથે ડાયવર્ઝન વાળો માર્ગ ધોવાઇ જાય ગયો છે. જેના કારણે મોટા મોટા ત્રણ ફૂટ ખાડા પડી ગયા છે.
ભારે વાહને 100 ફૂટનું અંતર કાપતાં 7 મિનિટનો સમય વેડફાય છે. બંને બાજુએ વાહનોની કતારો 1 કિમી સુધી લાગી જાય છે. તેમાંય વરસાદ ચાલુ હોય તો અક્સ્માત થવાનો ભય રહેલો છે. જે બાબતે વલાસણ ગામના જીગ્નેશ પટેલ સહિત આગેવાનો ગરનાળાનું કામ કરનાર સિંચાઇ વિભાગ સહિત માર્ગ મકાન વિભાગને રજૂઆત કરીને ડાયવર્ઝનના માર્ગનું સમારકામ કરવા રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.