વડોદરાના મકરપુરામાં યુવતીએ મચાવ્યો હોબાળો
સંસ્કારી નગરી વડોદરાના મકરપુરા વિસ્તારમાં ગતરાત્રે 15 જાન્યુઆરીના રોજ એક યુવતીએ ભારે હોબાળો મચાવતા પોલીસ તેમજ સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા. યુવતીએ મકરપુરા પોલીસની પીસીઆર વાન પર ચઢી જઈને ડ્રામા શરૂ કરતા કલાકો સુધી સ્થળ પર લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા.
યુવતી નશામાં હતી કે નહીં તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટી થઈ શકી નથી.
પ્રેમી સાથે ઝઘડા બાદ રસ્તા પર હંગામો
પ્રાપ્ત માહિતી અનુસાર, યુવતીનો તેના પ્રેમી સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો. ત્યારબાદ ગુસ્સામાં આવી ગયેલી યુવતીએ રસ્તા પર હંગામો શરૂ કર્યો હતો. યુવતી બેફામ રીતે વર્તન કરતી જોવા મળી હતી, જેના કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
પીસીઆર વાન પર ચઢી અભદ્ર વર્તન
ઘટનાની જાણ થતાં મકરપુરા પોલીસની પીસીઆર વાન સ્થળ પર પહોંચી હતી. પોલીસને જોતા જ યુવતી પીસીઆર વાનની ઉપર ચઢી ગઈ હતી અને પોલીસકર્મીઓ તેમજ ત્યાં હાજર લોકો સાથે અભદ્ર વર્તન કરવા લાગી હતી.
પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે એક સાથે 3 થી 4 પીસીઆર વાનનો કાફલો બોલાવવામાં આવ્યો હતો. યુવતીના આક્રમક વલણને કારણે થોડો સમય મહિલા પોલીસકર્મીઓ પણ પરિસ્થિતિ સંભાળવામાં મુશ્કેલી અનુભવતી હતી.
યુવતીની અગાઉ પણ ફરિયાદો
સૂત્રોના જણાવ્યા મુજબ, યુવતી અગાઉ પણ આવા બનાવોમાં સંડોવાયેલી રહી છે. તેના પરિવારજનો પણ તેના વર્તનથી ત્રાસી ગયા હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક રહીશો પણ યુવતીના રોજબરોજના ત્રાસથી કંટાળી ગયા હોવાથી આખરે પોલીસને જાણ કરવાની ફરજ પડી હતી.
પોલીસની કાયદેસરની કાર્યવાહી
મકરપુરા પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યુવતીના પરિવારજનોને બોલાવીને ઘટનાની જાણ કરવામાં આવી છે. જાહેરમાં સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કરવા બદલ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.