મોરજ ગામમાં તબેલામાં આગ: ગ્રામજનોએ 10 ગાય બચાવી, એક ગાય દાઝી
તારાપુરના મોરજ ગામે સુથારીયા વિસ્તાર પાછળ આવેલા અમદાવાદીયા ખેતરમાં એક તબેલામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ આગ તબેલામાં રાખેલા ડાંગરના ઘાસના ઢગલામાં કોઈ અગમ્ય કારણોસર લાગી હતી. આગની જાણ થતાં જ આસપાસના ગ્રામજનોએ તબેલામાં રહેલી દસ ગાયોને આગની લપેટમાં આવતા પહેલાં સુરક્ષિત બહાર કાઢી હતી.
ગ્રામજનોએ ડોલ અને પાઈપની મદદથી પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ ઝડપથી ફેલાઈ રહી હતી. આ ઘટનામાં તબેલાનો એક ભાગ અને ઘાસનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. આગની લપેટમાં આવતા એક ગાયનો એકબાજુનો ભાગ દાઝી ગયો હતો.
દાઝી ગયેલી ગાયને વેટરનરી ડોક્ટર દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવતા તેનો જીવ બચી ગયો હતો. આગની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયરમેનોએ સતત પ્રયત્નો બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો.
ગ્રામજનોની સમયસૂચકતા અને ફાયર બ્રિગેડની ઝડપી કામગીરીને કારણે મોટી જાનહાનિ ટળી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ તબેલા ઉપરથી પસાર થતી વીજલાઇનમાં શોર્ટ સર્કિટ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.