માતાની સેવા માટે અમદાવાદ આવ્યા હતા પુત્ર અને વહુ, પરત ફરતી વખતે પ્લેન ક્રેશમાં કરુણ મોત
અમદાવાદમાં ગુરૂવારે ભયાનક વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં અમદાવાદથી લંડન જતું વિમાન ટેકઑફ થયાની ગણતરીની મિનિટોમાં જ તૂટી પડ્યું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર મોટાભાગના લોકોનું મોત નિપજ્યું છે. જેમાં યુકેમાં રહેતા અને મૂળ અમદાવાદના ઈસાઈ દંપતી રોજર ડેવિડ ક્રિશ્ચિયન અને પત્ની રચના રોજર ક્રિશ્ચિયનનું મોત નિપજ્યું છે.
પાંચ વર્ષથી લંડનમાં રહેતું દંપતી
મળતી માહિતી મુજબ, ડોજર ક્રિશ્ચિયન નિવૃત્ત સિંચાઈ વિભાગના અધિકારી ડેવિડ ક્રિશ્ચિયનનો પુત્ર હતો. રોજર છેલ્લાં પાંચ વર્ષથી લંડનમાં રહે છે અને આ અગાઉ તે ન્યૂઝીલેન્ડમાં પાંચ વર્ષ સુધી રહ્યો હતો. 2013માં તેણે રચના નામની યુવતી સાથે લગ્ન કરી પોતાનો સુખી સંસાર માણી રહ્યો હતો. જોકે, તેનો અચાનક આવો કરૂણ અંત આવ્યો.
માતાની સેવા માટે અમદાવાદ આવ્યા હતા
સંબંધીઓના જણાવ્યા અનુસાર, 'રોજર માતા સાથે સમય પસાર કરવા માટે પત્નીને લઈને અમદાવાદ આવ્યો હતો. માતાએ તાજેતરમાં જ હિપ રિપ્લેસમેન્ટની સર્જરી કરાવી હતી. માતાની સર્જરી બાદ થોડો સમય તેમની સેવા અને સંભાળ રાખવા માટે પુત્ર અને પુત્રવધુ લંડનથી અમદાવાદ આવ્યા હતા. બાદમાં જ્યારે તેઓ લંડન પરત ફરી રહ્યા હતાં, ત્યારે અકસ્માતમાં દંપતીનું કરૂણ મોત નિપજ્યું હતું. રોજર પરિવારના મુશ્કેલ સમયમાં તેમને ટેકો આપવા આવ્યો હતો પરંતુ, હવે તે પરિવારથી કાયમ માટે વિખુટો પડી ગયો છે. હાલ, પરિવારજનો રોજર અને તેની પત્નીના મૃતદેહ મેળવવા માટે કવાયત કરી રહ્યા છે.'
ગુરૂવારે અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ ટેકઑફ થયાની ગણતરીની મિનિટોમાં જ મેઘાણીનગર ખાતે BJMC બોયઝ હોસ્ટેલ સાથે અથડાઈને ક્રેશ થયું અને તુરંત ત્યાં આગ લાગી ગઈ. હાલ, પ્લેન ક્રેશ થવાના કારણ વિશે તપાસ કરવામાં આવી રહી છે. ગુજરાત સરકારે શોકગ્રસ્ત પરિવારોને તમામ સહાયની ખાતરી આપી છે. હાલ, સિવિલ ખાતે મૃતદેહોને પરિવારને સોંપવા માટે DNA ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. DNA ટેસ્ટ મેચ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.