રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી કેન્દ્રોને વધુ સુદ્રઢ, સુરક્ષિત અને આધુનિક બનાવવાના હેતુથી તા.૧૬ જાન્યુઆરીથી તા.૧૬ ફેબ્રુઆરી દરમિયાન 'આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ' હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને પૂર્વ-પ્રાથમિક શિક્ષણ અને પોષણ માટે આકર્ષક વાતાવરણ પૂરું પાડવાનો છે.
આણંદ જિલ્લામાં આંગણવાડી કેન્દ્રોનું નવીનીકરણ માટે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતી ના સીધા માર્ગદર્શન હેઠળ આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. વહીવટી તંત્રનો નિર્ધાર છે કે નિર્ધારિત સમયમર્યાદામાં આ કામગીરી પૂર્ણ કરી જિલ્લાના બાળકોને સુસજ્જ, સુરક્ષિત અને સુવિધાયુક્ત આંગણવાડી કેન્દ્રોની ભેટ આપવામાં આવે, જેથી ICDS અંતર્ગત મળતી આરોગ્ય અને પોષણની સેવાઓ વધુ અસરકારક બની શકે.
આ કામગીરીની વિગતો આપતા આઈ.સી.ડી.એસ વિભાગના પ્રોગ્રામ અધિકારી તેજલબેન ગોસ્વામી એ જણાવ્યું હતું કે, આણંદ જિલ્લામાં આંગણવાડી કેન્દ્રોના નવીનીકરણ માટે રાજ્ય સરકારે આણંદ જિલ્લાને બે તબક્કામાં મળીને કુલ રૂપિયા 5.32 કરોડની ફાળવણી કરી છે. આ ઉપરાંત આંગણવાડી કેન્દ્રોના નાના સમારકામ માટે ફાળવવામાં આવતી રૂ. ૮,૫૦૦ની ગ્રાન્ટ, મોટા સમારકામ અને મેઈન્ટેનન્સ માટેની રૂ. ૨.૦૦ લાખની ગ્રાન્ટ ઉપરાંત અન્ય સરકારી ભંડોળ દ્વારા પણ આંગણવાડીઓને આધુનિક બનાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. આ ઝુંબેશ માત્ર મરામત પૂરતી સીમિત નથી, પરંતુ તેમાં પીવાનું શુદ્ધ પાણી, શૌચાલયની સુવિધા, આકર્ષક વોલ પેઈન્ટિંગ અને પોષણ વાટિકા જેવા ૨૫ જેટલા વિવિધ માપદંડોને ધ્યાને લેવામાં આવ્યા છે.
આંગણવાડી કેન્દ્રોની માળખાકીય સુવિધા બાળકોના પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે ખુબ જરૂરી છે.
તેજલબેન ગોસ્વામી એ વધુમાં જણાવ્યું કે આ અભિયાન અંતર્ગત આણંદ જિલ્લામાં 400 જેટલા આંગણવાડી કેન્દ્રોમાં સમારકામની કામગીરી અને 1000 જેટલી આંગણવાડીઓ ખાતે નાનું મોટું સમારકામની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.
આણંદ જિલ્લામાં કાર્યરત કુલ 1993 આંગણવાડી કેન્દ્રો પૈકી 1224 કેન્દ્રો પોતાના મકાન ધરાવે છે. જેમાંથી 1400 જેટલા આંગણવાડી કેન્દ્રોને આ ઝુંબેશ હેઠળ આવરી લેવા માટે પાત્ર ગણવામાં આવ્યા છે. આ કેન્દ્રોમાં રંગકામ, નાના-મોટા સમારકામ, અંદર-બહારની સ્વચ્છતા અને સૌંદર્યીકરણની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. આ ઝુંબેશમાં સરકારી ગ્રાન્ટ ઉપરાંત લોકભાગીદારી અને CSR ફંડનો પણ સકારાત્મક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી આંગણવાડીઓનું ભૌતિક માળખું વધુ મજબૂત બને.
સાથે સાથે, આંગણવાડી મકાનો જર્જરિત ન થાય તે માટે વાર્ષિક રિપેરિંગ અને લાંબાગાળાની જાળવણી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.