ભારે વાહન વ્યવહાર અટકાવવાનું તંત્રનું પગલું: ઉમેટા બ્રિજ પર એંગલો મુકાયા

આણંદ અને વડોદરાને જોડતા ત્રણ પુલ પૈકીના એક ગંભીરા બ્રિજ ગત અઠવાડિયે તુટી પડ્યો હતો. જેમાં 20થી વધુ લોકોના મોત નીપજ્યા હતા. હવે બ્રિજ તુટી પડવાને કારણે બ્રિજ પરથી પસાર થતા તમામ વાહનોનું ભારણ ઉમેટા બ્રિજ પર વધ્યું હતું. નોંધનીય બાબત તો એ છે કે ઉમેટા બ્રિજ પણ જર્જરિત છે. આ સમગ્ર અહેવાલ ભાસ્કરમાં પ્રસિધ્ધ કરાયો હતો. જે અંતર્ગત તંત્ર સફાળું જાગ્યું હતું અને માર્ગ મકાન વિભાગ દ્વારા ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મુકવા માટે લોખંડની એંગલો અને પ્રવેશ પર પ્રતિબંધના બોર્ડ મારવામાં આવ્યા હતા.
વડોદરા માર્ગ અને મકાન વિભાગ દ્વારા સોમવારે સવારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં વડોદરા અને આંકલાવ તરફ પણ આ પ્રકારની લોખંડની એંગલો મારવામાં આવી હતી. આ એંગલો નીચી મારવામાં આવી છે, જેથી કોઈ પણ મોટા વાહનો બ્રિજનો ઉપયોગ ન કરી શકે. આ ઉપરાંત બ્રિજની બંને સાઈડમાં ભારે વાહનોની અવર-જવર પ્રતિબંધ હોવા અંગેના સૂચના આપતા બોર્ડ પણ મારવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મોટાભાગના વાહનચાલકો ટોલ ટેક્સ બચાવવા માટે અગાઉ ગંભીરા અને ઉમેટા બ્રિજનો ઉપયોગ કરતા હતા.