ભગવાન જગન્નાથજીનું વાજતે ગાજતે મંદિરના ગર્ભગૃહમાં કરાયું સ્થાપન
સુપ્રસિદ્ધ ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા પૂર્ણ થઈ છે. દરવર્ષે શહેરમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રાની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. અને બીજા દિવસે શાસ્ત્રોક્તવિધિ સાથે જગન્નાથજીનું મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ આપવામાં આવે છે. આજે 28 જૂનના રોજ જમાલપુર ખાતે જગન્નાથ મંદિરમાં વહેલી સવારે શાસ્ત્રોક્તવિધિ સાથે શુભમુહૂર્તમાં જગન્નાથજીનું સ્થાપન કરવામાં આવ્યું.
ભગવાનને મંદિર બહાર કર્યો રાતવાસો
રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે નગરચર્યાએ નીકળે છે. અને સાંજે નિજમંદિર આ રથયાત્રા પરત ફરે છે ત્યારે ત્રણેય રથ મંદિરના પ્રાંગણમાં રાખવામાં આવે છે. રથયાત્રા પૂર્ણ થયા બાદ ભગવાન જગન્નાથના રથ આખી રાત મંદિરની બહાર રાખવામાં પાછળ એક લોકાવાયકા છે. જે મુજબ ભગવાન કહ્યા વગર નગરચર્યાએ જતા રુકમણીજી નારાજ થયા હતા. અને એટલે આખી રાત જગન્નાથજીને મંદિરમાં પ્રવેશ આપ્યો નહોતો. રુકમણીજી રિસાતા ભગવાને મંદિર બહાર રાતવાસો કરવો પડ્યો. આમ, રથયાત્રા પૂર્ણ થયા બાદબીજા દિવસે સવારે વિધિવત રીતે ભગવાનને મંદિરમાં બિરાજમાન કરવામાં આવે છે.
ભગવાન જગન્નાથજીની નજર ઉતારવામાં આવી
જગન્નાથ મંદિરના પ્રાંગણમાં રથમાં બિરાજમાન ભગવાન જગન્નાથજીની નજર ઉતારવામાં આવી અને પછી આરતી ઉતારી વાજતે ગાજતે મંદિરના ગૃહપ્રવેશ કરાવામાં આવ્યો. જણાવી દઈએ કે ગતરોજ ભગવાન જગન્નાથની રથયાત્રામાં ગજરાજનો મિજાજ જતા નાસભાગ મચી હતી. જો કે સદનસીબ તંત્ર અને મહાવત તેમજ વનવિભાગ અધિકારીઓના પ્રયાસથી ગજરાજ કાબૂમાં આવતા મોટી દુર્ઘટના ટળી હતી. આ ઉપરાંત બલભદ્રના રથમાં ખામી સર્જાતા આ વખતે સૌ પ્રથમ વખત બહેન સુભદ્રાજી મોસાળ સરસપુરમાં વહેલા પહોંચ્યા હતા. જગન્નાથજીની કૃપાથી રથયાત્રાની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આજે જગન્નાથજીના મંદિરમાં ગૃહપ્રવેશ સાથે રથયાત્રા સંપન્ન થઈ.