Advertisement

બોરસદ-રાસ વિસ્તારમાં વીજચોરી સામે કડક કાર્યવાહી, 24 ટીમોની સઘન ચકાસણી

બોરસદ-રાસ વિસ્તારમાં વીજચોરી સામે કડક કાર્યવાહી, 24 ટીમોની સઘન ચકાસણી

આણંદ જિલ્લામાં MGVCL ની બોરસદ અને રાસ વિભાગીય કચેરી હેઠળના વિસ્તારોમાં મોટા પાયે વીજચોરી ઝડપાઈ છે. તાજેતરમાં યોજાયેલી કોર્પોરેટ ડ્રાઈવ દરમિયાન કુલ 48 વીજચોરીના કિસ્સાઓ સામે આવ્યા હતા, જેના પગલે કસૂરવારોને કુલ 8.56 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.


આ કાર્યવાહી MGVCL ના અધિકારીઓ, ઇજનેરો, ઇલેક્ટ્રિશિયનો અને વાયરમેનો સહિતની 24 ટીમો દ્વારા કરવામાં આવી હતી. આ ટીમોએ ફેબ્રુઆરી 10 ના રોજ બોરસદ, રાસ, આંકલાવ અને આસોદરના ગ્રામ્ય વિસ્તારોમાં ઘરેલુ, વ્યવસાયિક અને ખેતી વિષયક કુલ 587 વીજ કનેક્શનોની સઘન ચકાસણી હાથ ધરી હતી.


ચકાસણી દરમિયાન વિવિધ પ્રકારની વીજચોરીઓ ઉજાગર થઈ હતી. જેમાં વીજપોલ પરથી સીધું કનેક્શન મેળવવું, મુખ્ય લાઈન પર લંગસિયા નાખીને વીજપ્રવાહ મેળવવો, પરવાનગી વિના અન્યને જોડાણ આપવું, વીજમીટર સાથે ચેડા કરવા, તેમજ ઘરેલુ કનેક્શનનો ખેતી વિષયક કે વ્યવસાયિક હેતુ માટે ઉપયોગ કરવો જેવા કિસ્સાઓનો સમાવેશ થાય છે.


આ 48 કિસ્સાઓમાં વીજચોરી આચરનારાઓ સામે પ્રારંભિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. MGVCL ની ટીમે કસૂરવારોને કુલ 8,56,720 ની રકમના દંડના બિલો ઇસ્યુ કર્યા છે.

Advertisement