Advertisement

બોરસદમાં 2.17 કરોડની શંકાસ્પદ વ્હેલ ઉલટી સાથે બે શખસ ઝડપાયા

બોરસદમાં 2.17 કરોડની શંકાસ્પદ વ્હેલ ઉલટી સાથે બે શખસ ઝડપાયા

બોરસદમાંથી શંકાસ્પદ વ્હેલ માછલીની ઉલટી સાથે પોલીસે બે શકમંદને બોરસદ પોલીસે દબોચી લીધા હતા. બંને શખસ સુરતના કોઈ વેપારીને તેની ડિલીવરી આપવા આવ્યા હતા. પરંતુ ડિલીવરી કરે એ પહેલાં જ પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા. પોલીસે કબજે કરેલો રૂપિયા 2.17 કરોડનો જથ્થો એમ્બરગ્રીસ છે કે કેમ તેની તપાસ અર્થે હાલમાં જથ્થાને એફએસએલમાં મોકલી આપવામાં આવ્યો છે.

આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ખંભાતના બે શકમંદ એમ્બરગ્રીસ એટલે કે વ્હેલ માછલીની ઉલટીને લઈને બોરસદની પી. ચંદ્ર હાઈસ્કૂલ ત્રિકોણીયા પાસે હાજર હોવાની ચોક્કસ બાતમી બોરસદ શહેર પોલીસને મળતા જ પોલીસે તુરંત જ સ્થળ પર પહોંચી હતી. જ્યાં બે શકમંદોને પોલીસે દબોચી લીધા હતા. પોલીસે તેમના નામ-ઠામની પૂછપરછ કરતા 35 વર્ષીય મુકેશ ઉર્ફે મુકો વિરસંગ રાઠોડ (રહે. મહાદેવ ફળિયું, ખંભાત) અને 30 વર્ષીય ફતેસંગ ઉર્ફે બોક્સર મણી મકવાણા (રહે. મકવાણા ફળીયું, તારાપુર) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેમની પાસેથી બે મોબાઈલ, બાઈક મળી રૂપિયા 35 હજાર તથા રૂપિયા 2.17 કરોડની વ્હેલ માછલીની ઉલટી કબજે લીધી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સુરતના વેપારીને તે આપવાની હોવાનું જણાવ્યું હતું. જોકે, ઉલટી ખરેખર વ્હેલ માછલીની છે કે પછી અન્ય કોઈ પદાર્થ છે તે બાબતને લઈને પોલીસને શંકા જતા જ તેમણે મુદ્દામાલ ગાંધીનગર એફએસએલમાં મોકલી આપીને હાલમાં તપાસ હાથ ધરી છે.

આ અંગે વાત કરતા પીઆઈ પૃથ્વીરાજસિંહ જાદવે જણાવ્યું હતું કે, પોલીસે બંને શકમંદોને ઝડપી પાડ્યા હતા. પરંતુ સમગ્ર બનાવમાં એમ્બરગ્રીસના મામલા કરતા ઠગાઈનો મામલો વધુ હોય તેમ લાગી રહ્યું છે. તેને કારણે જ સમગ્ર બનાવ અંગે જાણવાજોગ ગુનો નોંધી મુદ્દામાલ એફએસએલમાં મોકલી આપી બંને શખસોને નોટિસ આપીને હાલ જવા દીધા છે. રિપોર્ટ બાદ બંને વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.

આંતરરાષ્ટ્રીય બજારમાં વહેલ માછલીની ઉલટીની 1 કિલોની કિંમત સામાન્ય રીતે 1 કરોડ જેટલી થાય છે

એમ્બરગ્રીસનો ઉપયોગ દવા, અત્તર અને પરફ્યુમ બનાવવા માટે થતો હોય છે. લાંબા સમય સુધી પરફ્યુમ તેમજ અત્તરની સુગંધ આ ઉલ્ટીને કારણે જ રહેતી હોય છે. ભાગ્યે જ પદાર્થ જોવા મળતો હોય તેની આંતરરાષ્ટ્રીય બજારમાં એક કિલોની કિંમત 1 કરોડ જેટલી થાય છે. યુરોપ, અમેરિકા સહિતના કેટલાંક પશ્ચિમી દેશોમાં છેલ્લાં પાંચેક દાયકાથી તેના પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જોકે, આરબ દેશોમાં તેની માંગ વધુ છે. જાણકારોના જણાવ્યા અનુસાર, પદાર્થ કિંમતી હોય કેટલાંક લોકો કેમિકલ દ્વારા બનાવટી બનાવી તેને વેચતા હોવાનું પણ સત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

ચાર વર્ષ પહેલાં આણંદ જિલ્લામાં પ્રથમ કેસ નોંધાયો હતો

આણંદ જિલ્લામાં સૌપ્રથમ કેસ વર્ષ 2021માં નોંધાયો હતો. આણંદ એસઓજી દ્વારા એ સમયે શહેરના પ્રાપ્તિ સર્કલ પાસેથી છ જણાંને ઝડપી પાડ્યા હતા. પોલીસે એ સમયે રૂપિયા 70.60 લાખની કિંમતની શંકાસ્પદ વ્હેલ માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસ કબજે કરી હતી. એ વખતે જે શખસ ઝડપાયા હતા તે ખંભાતના હોવાનું ખૂલ્યું હતું.

વનસંરક્ષણ ધારા હેઠળ સંરક્ષિત પ્રાણી હોય 3થી 7 વર્ષ સુધીની જેલ થઈ શકે છે

વ્હેલની ઉલટીને ‘તરતા સોના’ તરીકે પણ ઓળખવામાં આવે છે. એમ્બરગ્રીસ તરીકે ઓળખાતી વ્હેલ માછલીની ઉલટી સામાન્ય કિસ્સામાં જોવા મળતી નથી. ભાગ્યે જ તે જોવા મળે છે. જોકે, વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ હેઠળ વ્હેલ પણ સંરક્ષિત પ્રાણી હોય તેનો શિકાર કરી શકાય નહીં. વધુમાં તેના હાડકાં, વાળ, કે પછી તેની ઉલટીનો પણ કારોબાર કરી શકાય નહીં. અર્થાત, તે પ્રતિબંધિત છે. પોલીસ કે વન વિભાગ દ્વારા આવા કિસ્સામાં પકડવામાં આવે ત્યારે શિડ્યુલ 1 અંતર્ગત ત્રણ વર્ષથી લઈ સાત વર્ષ સુધીની જેલ પણ થઈ શકે છે.

Advertisement