બોરસદમાં રસ્તાઓ પર 200થી વધુ રખડતા પશુઓથી જનજીવન હેરાન
બોરસદ શહેરમાં દર ચોમાસામાં રખડતા ઢોરની સમસ્યા ખુબ જ વિકટ બની જતી હોય છે. શહેરના જાહેર માર્ગો પર રખડતા પશુઓ અડિંગો જમાવી દેતા રસ્તા પર ટ્રાફિકના પ્રશ્ન ઉભા થતા હોય છે તેમજ રખડતા ઢોર બજારમાં આવતા જતા લોકોને પણ શિંગડે ભેરવતા હોય છે. જેને લઇ અકસ્માતો પણ સર્જાતા હોય છે.
ગત વર્ષે બોરસદની વાસદ ચોકડી પર રસ્તા પર રખડતી ગાયને લઇ અકસ્માત સર્જાયો હતો અને એક નિર્દોષ યુવતીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તેમજ પામોલ રોડ પરથી પસાર થતા વૃદ્ધને પણ ગાયએ શિંગડા મારીને ઘાયલ કરી દીધા હતા જેમાં વૃદ્ધના હાથ અને પગના હાડકા પણ ભાગી ગયા હતા ત્યારે પાલિકા તંત્ર માત્ર નોટિસ અને ચેતવણી આપી સંતોષ માની રહ્યું છે અને નક્કર કામગીરી કરવામાં પાછીપાની કરી રહ્યો છે જેને લઇ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે
બોરસદ શહેરના જનતા બજાર, બસ બસ્ટેન્ડ, ભીંડી બજાર, ફુવારા ચોક, ટાઉન હોલ, બળિયાદેવ, આણંદ ચોકડી , વાસદ ચોકડી, કૃષ્ણા નગર વિસ્તાર અને નેશનલ હાઇવે તથા જલારામ મંદિર માર્ગ પર ઠેર ઠેર રખડતા પશુઓ અડિંગો જમાવી દેતા ટ્રાફિકની સમસ્યા ઉભી થતી હોય છે તેમજ નેશનલ હાઇવે પર રસ્તા વચ્ચે જ રખડતા પશુઓને લઇ અકસ્માતો પણ સર્જાતા હોય છે.શહેરના બજાર વિસ્તારમાં રખડતી ગાયો લોકોને અડફેટે લેતા હોય છે તેમજ શાકભાજી ખરીદવા આવતી મહિલાની થેલીઓ અને શાકભાજીની લારીઓમાં મોઢું મારતા હોય છે જેને લઇ લોકો હેરાન થઇ જાય છે.
ગત વર્ષે પાલિકા દ્વારા પશુમાલિકોને જાહેર ચેતવણી આપવામાં આવી હતી કે જો શહેરના માર્ગો પર જાહેરમાં રખડતા પશુઓ જોવા મળશે તો પાલિકા દ્વારા પકડીને પાંજરાપોળમાં મૂકી દેવામાં આવશે તેવી ચેતવણી આપ્યા બાદ પણ પશુમાલિકો દ્વારા પશુઓને જાહેરમાં રખડતા છોડી મુકવામાં આવ્યા હતા જેને લઇ વાસદ ચોકડી પાસે એક અકસ્માત સર્જાયો હતો અને એક નિર્દોષ યુવતીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો ગત વર્ષે પાલિકાએ જાહેર ચેતવણી આપ્યા બાદ માત્ર નાટક પૂરતી કામગીરી કરી હતી અને આ વર્ષે પણ પાલિકાએ માત્ર ચેતવણી આપી 20 -25 ગાયોનેપકડી ને પાંજરે પુરવામાં આવી છે જયારે શહેરમાં હજુ પણ જાહેર માર્ગો પર 200થી વધુ ગાયો રખડી રહી છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા માત્ર નાટક નહિ પરંતુ નક્કર કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉભી થઇ છે.
પશુપાલકો સવારે દોહ્યા બાદ પશુ છોડી મૂકે છે
પશુપાલકો દ્વારા સવારનાં સમયે ઢોરને દોહી લેવામાં આવ્યા બાદ તેને છોડી મુકે છે જે સાંજનાં સમયે પાછી હાંકી લાવવામાં આવે છે કેટલાક માલીકો ઢોર ને હાંકી લાવતા સમયે પોતે બાઇક ઉપર બેસી ઢોરો ને આગળ હાંકે છે ત્યારે કેટલીક વાર ઢોર બેકાબુ બની દોડ મુકે છે આવતા જતા રાહદારીઓ ને અડફેટે લે છે .જયારે કોઈ ઢોર દૂધ આપવા લાયક નાં રહે અને માંદગી માં સપડાયો હોય તેને તેના માલિક દ્વારા રસ્તે રઝળતી છોડી મુકવામાં આવે છે ત્યારે આવા પશુપાલકો સામે કાયદેસર પોલીસ ફરિયાદ કરી પગલાં લેવામાં આવે તો જ રખડતા ઢોરની સમસ્યામાંથી છુટકારો મળશે તેમ નગરજનો જણાવી રહ્યા છે.