Advertisement

બોરસદમાં એસટી બસ મુદ્દે વિદ્યાર્થીઓનો ચક્કાજામ

બોરસદમાં એસટી બસ મુદ્દે વિદ્યાર્થીઓનો ચક્કાજામ

બોરસદ એસટી ડેપોથી વિદ્યાનગર ખાતે જતી એસટી બસો અનિયમિત અને અપૂરતી હોવાના કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે.સપ્તાહમાં એકાદ વખત રૂટ કેન્સલ કરી દેવામાં આવતો હોય છે.જેને લઇ વિદ્યાર્થીઓને પાસ હોવા છતાં ના છૂટકે ખાનગી વાહનોમાં પૈસા ખર્ચીને કોલેજ જવું પડે છે જે મામલે વિદ્યાર્થીઓ દ્વારા બોરસદ એસટી ડેપોના મેનેજરને અવારનવાર રજૂઆતો કર્યા બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા સોમવારના રોજ નાપા પાસે વિદ્યાર્થીઓએ રોડ ઉપર બસોને અટકાવી દઈ ચક્કાજામ કરી દીધું હતું અને ભારે હોબાળો મચાવી દીધો હતો

બોરસદ,દેદરડા અને નાપા સહીત જુદા-જુદા ગામોમાંથી રોજ 400થી વધુ વિદ્યાર્થીઓ રોજ વિદ્યાનગર ખાતે વિવિધ કોલેજોમાં અભ્યાસ માટે જતા હોય છે. પરતું બોરસદ ડેપોની બસો અનિયમિત આવતા કોલેજ જતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓ વેઠવાનો વારો આવે છે. જેના કારણે વિફરેલા વિદ્યાર્થીઓએ નાપા-ગાના માર્ગ ઉપર ચક્કાજામ કર્યો હતો.જેના પગલે માર્ગ પર ટ્રાફિકજામ થયો હતો.વિદ્યાર્થીઓએ ચક્કાજામ કરતા સ્થાનિક અગ્રણી સાલિમ કાજી સહીતનાઓ દોડી આવ્યા હતા અને વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.ઘટના અંગે બોરસદ એસટી વિભાગમાંથી તાત્કાલિક એક બસ ફાળવવામાં આવી હતી જેને લઇ મામલો થાળે પડ્યો હતો જો કે અનિયમિત બસોનું કાયમી નિરાકરણ લાવવામાં નહીં આવે તો આગામી સમયમાં ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી ચીમકી વિદ્યાર્થીઓએ ઉચ્ચારી હતી. આ અંગે ડેપો મેનેજરના મોબાઈલ પર તેઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા ફોન રિસીવ કર્યો ન હતો.

Advertisement