બાળકીની તાંત્રિક વિધિમાં હત્યાના આક્ષેપ સાથે ગ્રામજનોનો પોલીસ મથકે ઘેરાવો
આણંદ : આંકલાવના નવાખલ ગામની પાંચ વર્ષની બાળકીને ગામના યુવકે હત્યા કર્યા બાદ સિંઘરોટ પાસેની મીની નદીમાં નાખી દીધી હતી. આજે બીજા દિવસે પણ એસડીઆરએફ સહિતની ટીમો દ્વારા શોધખોળ કરવા છતાં સાંજ સુધી બાળકીનો પત્તો લાગ્યો ન હતો. તાંત્રિક વિધિમાં બાળકીની હત્યાના આક્ષેપ સાથે ગ્રામજનોએ આંકલાવ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરી વિરોધ વ્યક્ત કરી ગુનામાં સંડોવાયેલા તમામને ઝડપી પાડવા માંગણી કરી હતી.આંકલાવ તાલુકાના નવાખલ ગામના રામદેવજી મંદિર ખાતે ગઈકાલ બપોરે આરતીમાં ગયેલી પાંચ વર્ષની બાળકી રહસ્યમય રીતે લાપતા થઈ હતી. શોધખોળ બાદ પત્તો ના લાગતા આંકલાવ પોલીસ મથકે જાણ કરતા પોલીસે અજાણ્યા શખ્સ સામે અપહરણનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. પોલીસે ગ્રામજનોને સાથે રાખી ગામની ખાનગી ફાઈનાન્સ બેંકની બહારના સીસીટીવી ફૂટેજ તપાસતા નવાખલ ગામે જ રહેતો અજય પઢીયાર (ઉં.વ.૨૩) બાળકીને બાઈક ઉપર બેસાડી લઈ જતો જણાયો હતો. ઉમેટા પોલીસ ચોકીના ફૂટેજમાં અજય પઢિયાર બાળકીને બાઈક ઉપર બેસાડી ઉમેટા બ્રિજ તરફ જતો અને સાંજે એકલો પરત આવતો જોવા મળ્યો હતો. અજય પઢીયારને ઉઠાવી તેની પૂછપરછ કરતા તેણે જ બાળકીનું અપહરણ કર્યું હોવાની કબુલાત કરી હતી. ઉમેટાથી થોડેક દૂર સિંઘરોટ ગામની મીની નદીમાં બાળકીને ફેંકી દીધી હોવાનો ઘટસ્ફોટ કરતા ગામમાં ગમગીનિ વ્યાપી ગઈ હતી. અજય પઢીયારની પત્નીનું સીમંત હોવાથી પુત્ર પ્રાપ્તિ માટે તાંત્રિક વિધિને લઈ બાળકીનો બલી ચઢાવાયો હોવાની ચર્ચાથી પાંચ જેટલા ભુવાઓને પણ રાઉન્ડઅપ કરી પૂછપરછ કરવામાં આવી રહી છે. જ્યારે આરોપી અજય પઢિયાર ગોળ ગોળ વાતો કરતો હોવાનું પોલીસ દ્વારા જણાવ્યું છે. એસડીઆરએફની ટીમ સહિત સ્થાનિક તરવૈયાઓની મદદથી ગઈકાલે બાળકીને શોધવા માટે નદીમાં તપાસ હાથ ધરાઈ હતી. આજે બીજા દિવસે પણ સવારથી જ મીની નદીમાં ટીમો બોટ સાથે ઉતરી બાળકીની શોધખોળ હાથ ધરી હતી. નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી ટીમોને કોઈ ભાળ મળી નથી. બીજી તરફ ગ્રામજનોએ આંકલાવ પોલીસ મથકે ધામા નાખી વિરોધ વ્યક્ત કરી ગુનામાં સંડોવાયેલા તમામને ઝડપી પાડવા માંગ કરી હતી.
અંધશ્રદ્ધા ફેલાવતા બની બેઠેલા ભુવાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવા માંગઆણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ બની બેઠેલા અનેક ભુવાઓ લોકોને ભોળવીને અંધશ્રદ્ધાના પંથે ધકેલી રહ્યા છે. ત્યારે આંકલાવના નવાખલની માસુમ બાળા પણ આવી અંધશ્રદ્ધાનો ભોગ બની હોવાની આશંકા વચ્ચે પોલીસ દ્વારા આવા બની બેઠેલા ભુવાઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
ગ્રામજનોએ આક્રોશ ઠાલવ્યો, રાયોટિંગના ગુનાની ચિમકી બાદ ટોળું વિખેરાયુંઆ અંગે આંકલાવ પોલીસ મથકના પીઆઈ પી.જે. બાટવાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવા છતાં ફોન સતત રણકતો રહ્યો હતો અને તેઓએ ફોન ઉપાડયો નહોતો. બીજી તરફ બાળકીના અપહરણના ૪૮ કલાક બાદ પણ કોઈ પત્તો ના લાગતા ગ્રામજનોએ પોલીસ મથકનો ઘેરાવો કરી ઉગ્ર રજૂઆત કરી હતી. ત્યારે ગ્રામજનોનું મોટું ટોળું પોલીસ મથકમાં ઘૂસી જતા પોલીસ દ્વારા રાયોટિંગનો ગુનો નોંધવામાં આવશે તેમ કહેતા ધીમે ધીમે લોકો વિખેરાયા હતા.