બાકરોલમા તાબડતોબ સર્ચ: વધુ શકમંદોને રાઉન્ડઅપ કરાયા
આણંદ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓને શોધી કાઢવાની ઝુંબેશ તેજ કરી દેવામાં આવી છે. આજે ત્રીજા દિવસે પણ પોલીસે વિદ્યાનગરના બાકરોલ ગામની ઈન્દિરા કોલોની તેમજ અલગ-અલગ જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ઘર્યું હતુ. જે દરમ્યાન ૩૮ જેટલી શકમંદ વ્યક્તિઓ મળી આવતા તેમને રાઉન્ડ અપ કરીને તપાસ હાથ ઘરવામાં આવી છે.
આણંદના ડીવાયએસપીની આગેવાની હેઠળએલસીબી, એસઓજી, પેરોલ ફર્લો તેમજ સ્થાનિક પોલીસની અલગ-અલગ ટીમો બનાવીને વિદ્યાનગર પોલીસ મથકના બાકરોલ ગામે સર્ચ ઓપરેશન હાથ ઘર્યું હતુ. ઈન્દિરા કોલોની સહિત અલગ-અલગ વિસ્તારોમાં રહેતા કુલ ૩૮ જેટલા શકમંદો મળી આવ્યા હતા.
જેમને રાઉન્ડ અપ કરીને તેમની સાચી ઓળખ પ્રસ્થાપિત કરવા માટે તેઓના આધારકાર્ડ, નાગરીકત્વના પુરાવાઓ,રેસનકાર્ડ તેમજ મોબાઈલ ફોનની ટેકનીકલ રીતે તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે અત્યાર સુધીમાં ખંભાત, આણંદ, બોરસદ, ખંભોળજ, વાસદ, પેટલાદ સહિત કુલ ૬૧૬ જેટલી શકમંદ વ્યક્તિઓને રાઉન્ડ અપ કરીને તપાસ હાથ ઘરી હતી. જેમાં વિદ્યાનગર અને ખંભાત રૂરલ પોલીસ મથકની હદમાંથી ૮ બાંગ્લાદેશીઓ મળી આવતાં તેમને ડીપોર્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.