Advertisement

બાકરોલમાં દિવસે નહીં પણ રાત્રે ઉત્તરાયણ ઉજવવાની અનોખી પરંપરા

બાકરોલમાં દિવસે નહીં પણ રાત્રે ઉત્તરાયણ ઉજવવાની અનોખી પરંપરા

બાકરોલમાં દિવસે નહીં પણ રાત્રે ઉત્તરાયણ ઉજવવાની અનોખી પરંપરા


ગુજરાતભરમાં જ્યાં સૂર્યાસ્ત સાથે ઉતરાયણનો ઉત્સાહ ધીમે ધીમે શમવા લાગે છે, ત્યાં આણંદ નજીકના બાકરોલ ગામમાં રાત પડતાં જ પતંગોત્સવ નવી ઊંચાઈએ પહોંચે છે. વર્ષોથી ચાલતી આવેલી આ અનોખી પરંપરા મુજબ બાકરોલમાં ઉતરાયણ દિવસે નહીં પરંતુ રાત્રે ઉજવવામાં આવે છે. રાત્રીના અંધકારમાં આકાશમાં ઉડતા હજારો પતંગો એવું દૃશ્ય સર્જે છે કે જાણે કાળું આકાશ શ્વેત ચાદર ઓઢી લે.

બાકરોલ ગામમાં આ ખાસ ઉજવણી માટે ધાબાઓ ઉપર લગભગ 500 જેટલી ફ્લડ લાઇટિંગ લગાવવામાં આવે છે, જેના કારણે આખું ગામ ઝગમગી ઉઠે છે. આણંદ જિલ્લાથી જ નહીં પરંતુ વડોદરા અને અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો રાત્રિ ઉતરાયણ માણવા બાકરોલ પહોંચે છે. એટલું જ નહીં, અમેરિકા, લંડન સહિત વિદેશોમાં વસતા મૂળ બાકરોલવાસીઓ પણ ખાસ આ અનોખી પરંપરાનો ભાગ બનવા ગામે આવે છે.

બાકરોલમાં રાત્રે ઉતરાયણ ઉજવવાનો મુખ્ય હેતુ પર્યાવરણ અને સુરક્ષાને ધ્યાનમાં રાખવાનો છે. દિવસે પક્ષીઓ આકાશમાં ઉડતા હોય છે, જ્યારે રાત્રે તેઓ પોતાના માળામાં જઈ આરામ કરતા હોવાથી પક્ષીઓને નુકસાન થતું નથી. ઉપરાંત દિવસે પતંગની દોરીથી ગળા કપાવાના અકસ્માતો થતા હોવાને કારણે નાગરિકોની સુરક્ષા માટે પણ રાત્રિ ઉતરાયણને પ્રોત્સાહન આપવામાં આવે છે. પરંપરા, પર્યાવરણ અને સુરક્ષાનો અનોખો સંગમ બનેલું બાકરોલનું રાત્રિ ઉતરાયણ આજે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

Advertisement