Advertisement

બજેટ અપડેટ: અંબાજી બનશે વધુ ભવ્ય, દાહોદને મળશે પોતાની એરપોર્ટ સુવિધા

બજેટ અપડેટ: અંબાજી બનશે વધુ ભવ્ય, દાહોદને મળશે પોતાની એરપોર્ટ સુવિધા

ગુજરાત સરકારે રાજ્યના ધાર્મિક અને પ્રવાસન સ્થળોને વૈશ્વિક સ્તરે ચમકાવવા માટે બજેટમાં મોટી જાહેરાતો કરી છે. શ્રદ્ધાળુઓની આસ્થા, પ્રવાસીઓ અને રાજ્યના આર્થિક વિકાસને ધ્યાનમાં રાખીને અંબાજી, સોમનાથ અને લોથલ જેવા ઐતિહાસિક સ્થળો માટે ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે.


અંબાજી કોરીડોર માસ્ટરપ્લાન માટે 300 કરોડ રૂપિયાની જાહેરાત


શક્તિપીઠ અંબાજી ખાતે ભક્તોની સુવિધામાં વધારો કરવા અને મંદિર પરિસરને વધુ ભવ્ય બનાવવા માટે ₹300 કરોડના ખર્ચે 'અંબાજી કોરિડોર' બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. કાશી વિશ્વનાથ અને ઉજ્જૈન મહાકાલ કોરિડોરની જેમ જ અંબાજીમાં પણ માસ્ટરપ્લાન મુજબ વિકાસ કાર્યો હાથ ધરાશે.


સોમનાથમાં મલ્ટિ-મોડલ ટ્રાન્સપોર્ટ હબ

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે શ્રદ્ધાળુઓ માટે પરિવહન સરળ બનાવવા માટે મલ્ટિ-મોડલ ટ્રાન્સપોર્ટ હબ અને આઇકોનિક બસ સ્ટેશન બનાવવામાં આવશે. આ ઉપરાંત, 'સોમનાથ સ્વાભિમાન પર્વ'ની ઉજવણી માટે ₹20 કરોડ ફાળવવામાં આવ્યા છે.


દાહોદમાં નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવાશે

ગુજરાતના આકાશમાં હવે વધુ વિમાનો ગુંજશે. દાહોદમાં નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસાવવાની સાથે સાથે પોરબંદર, ભાવનગર, સુરત, વડોદરા અને અંકલેશ્વર એરપોર્ટના વિસ્તરણ માટે ₹95 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આનાથી પ્રવાસન અને વેપાર બંનેને વેગ મળશે.


શ્રદ્ધાળુઓ માટે વિશેષ સુવિધાઓ

મેળા અને પરિક્રમા: ગિરનાર મહાશિવરાત્રી મેળો અને મા નર્મદા પરિક્રમા પથ પર પદયાત્રીઓ માટે ₹20 કરોડના ખર્ચે પાયાની સુવિધાઓ ઊભી કરાશે.


આસ્થાના કેન્દ્રો: દ્વારકા, ડાકોર અને માતાના મઢ (આશાપુરા) ખાતે પણ પ્રવાસી સુવિધાઓમાં વધારો કરાશે.

લોથલ: હેરિટેજ ટૂરિઝમને પ્રોત્સાહન આપવા લોથલ ખાતે ટ્રંક ફેસિલિટી વિકસાવવા માટે PPP મોડલ પર કામ થશે.


'વેડ ઇન ગુજરાત': હવે ગુજરાત બનશે વેડિંગ ડેસ્ટિનેશન


રાજ્ય સરકારે ગુજરાતને લગ્ન માટેના શ્રેષ્ઠ સ્થળ તરીકે પ્રમોટ કરવા માટે 'વેડ ઇન ગુજરાત' (Wed In Gujarat) કેમ્પેઇન લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આનાથી પ્રવાસન ઉદ્યોગમાં રોજગારીની નવી તકો ઊભી થશે.

Advertisement