Advertisement

પેટલાદ પાલિકાની સભામાં સત્તા–વિપક્ષ વચ્ચે તડાફડી

પેટલાદ પાલિકાની સભામાં સત્તા–વિપક્ષ વચ્ચે તડાફડી

પેટલાદ નગરપાલિકાની સામાન્ય સભા નગરપાલિકાના સભાખંડમાં સાંજે 4 કલાકે નગરપાલિકા પ્રમુખ જીગ્નેશભાઈ જોશીના અધ્યક્ષસ્થાને તેમજ ઉપપ્રમુખ મનીષાબેન ચૌહાણ અને ચીફ ઓફિસર કૃણાલ પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. રણછોડજી મંદિરથી કોલેજ ચોકડી સુધી નવીન બનેલ આઇકોનિક રોડને શ્રધ્ધેય શ્રીપંડિત અટલ બિહારી બાજપાઈ માર્ગ નામ આપવાનું તેમજ પરમાણિયા તળાવને અટલ ઉદ્યાન નામકરણ કરવાનું કામ ઉપરાંત જીયુડીસી દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરી ચાલતી હોય ભૂગર્ભ ગટર સ્ટેશન બનાવવાના કામોની ચર્ચા થતાં તે કામો સર્વાનુમતે મંજૂર કરાયા હતા.

એજન્ડા માં લીધેલ કામો જેમાં ગત સામાન્ય સભાના પ્રોસિડિંગને બહાલી સહિતના વિકાસના કામો સર્વાનુમતે મંજૂર કરાયા હતા,જ્યારે એજન્ડાના કામ નંબર 10, 11, 12, અને 14 જે કામોમાં પાલિકા દ્વારા પ્લાન એસ્ટીમેન્ટ, કઈ ગ્રાન્ટ હેઠળ કામ કરવાના, ખર્ચ કેટલો થશે તેવી કોઈ પણ માહિતી સાથે સાધનિક કાગળો મુક્યા ન હોવાની વાતને લઈ વિરોધ પક્ષે સુધારા રજૂ કર્યા હતા સાથે કામ નંબર 13 જેમાં મલાવ તળાવમાંથી માટી ખોદકામ કરી ઊંડું કરવા માટેના કામ જે કામમાં પણ વિરોધ પક્ષે સુધારો રજૂ કરી જણાવ્યું હતું કે નગરપાલિકામાં કોઈ એજન્સી અરજી આપે અને તેને માટી ખનન કરવા ઠરાવ કરવાનું કામ જે એજન્ડામાં લેવાયું છે.

પરંતુ આ એજન્સી નગરપાલિકાને કેટલી રકમ ફાળવશે ? તળાવ કેટલું ઊંડું કરવાનું ?હાલ કેટલું ઊંડું છે ?નગરપાલિકાને શું ફાયદો થશે, ઉચ્ચકક્ષાએથી પરવાનગી છે કે નહીં તેવા તમામ કામો પૂછતા સત્તાપક્ષ ભારે ગિન્નાયો હતો અને આ વિરોધ પક્ષના કામો વાંચવાની પણ તસ્દી લીધી ન હતી જ્યારે વિરોધ પક્ષ અને સત્તા પક્ષ સુધારા વાંચવાની બાબતે સામસામે આવી ગયા હતા અને 10 થી 15 મિનિટ ભારે હોબાળો અને ઉહાપોહ મચી જવા પામ્યો હતો.

અંતે સત્તા પક્ષે મનમાની કરી વાંચ્યા વગર મતદાન લઈ બહુમતીએ કામો મંજૂર કરી દેવાયા હતા.અને સુધારા બહુમતીના જોરે ફગાવ્યા હતા આ સામાન્ય સભામાં વિરોધ પક્ષના 6 સભ્યો અને સત્તા પક્ષના 3 સભ્યો આમ 9 સભ્યોનું રજા રિપોર્ટ મંજૂર કરાયો હતો, જ્યારે સત્તા પક્ષના 14 અને વિપક્ષના 6 સભ્યો હાજર રહ્યા હતા.

Advertisement