Advertisement

પેટલાદમાં નવી પાણી ટાંકીમાં ખામી, પાઇપલાઇન ફાટતાં 6 લાખ લીટર પાણી વહી ગયું

પેટલાદમાં નવી પાણી ટાંકીમાં ખામી, પાઇપલાઇન ફાટતાં 6 લાખ લીટર પાણી વહી ગયું

પેટલાદ નગરપાલિકા દ્વારા તાજેતરમાં રૂ 70 લાખના ખર્ચે બનાવેલ 6 લાખ લીટર પાણી ક્ષમતા ધરાવતી નવી ટાંકી બનાવી હતી. પાલિકા દ્વારા પાણી ભરવામાં આવ્યું હતું .પાઇપ લાઇનમાં જોડાણ આપવા બાદ અચાનકજ પાઇપ લાઇન તૂટતાં 6 લાખ લીટર પાણી આસપાસના વિસ્તારમાં ફરી વળતાં નાસભાગ મચી ગઇ હતી. કોન્ટ્રાકટરે હલકી ગુણવતા વાળી પાઇપો વાપરી હોવાથી ફાટી ગઇ હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો હતો.

પાલિકા તંત્રના પાપે નગરજનોને પાણી મળે તે પહેલા મુખ્ય પાઇપ લાઇન ફાટી જતાં નગરજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. પાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલા કામો ભારે વેઠ ઉતારવામાં આવી રહી છે. જેની પોલ મંગળવારે પાણી રેલાતાં ખુલ્લી પડી હતી. પેટલાદ નગરપાલિકાના ઇજનેર દેવાયત કામડિયાને પુછતાં તેઓ જણાવ્યું હતું કે, 6 લાખ લીટર પાણી ટાંકી તૈયાર કરી હતી. જો કે ઉદઘાટન કરવાનું બાકી હતું. જો કે કામગીરી અંગે તપાસ કરવામાં આવશે.

ઘરોમાં સામાન અને અનાજ પલળી ગયુ

પેટલાદ નૂર તલાવડી વિસ્તારમાં નવી બનેલી ટાંકી મુખ્ય પાઇપ લાઇન7.30 કલાકની આસપાસ અચાનકજ તૂટતાં 6 લાખ લીટર પાણી નૂર તલાવડી વિસ્તારના ઘરોમાં ઘૂસી ગયા હતા. જેના કારણે કેટલાંક લોકોને જમવા બેઠા હતા. તેઓ નીચે પાણી આવતાં ઉભા થઇ જવું પડયું હતું. તેમજ ઘરોમાં પાણી ભરાતાં મહિલાઓ સહિત ઘરના સભ્યો માલ સામાન ઉંચે મુકવા માટે દોડધામ કરતાં જોવા મળ્યાં હતા. કેટલાંક ઘરોમાં સામાન અને અનાજ પલળી જતાં ભારે નુકશાન થયું છે.

Advertisement