પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેનો તણાવ હવે સીમિત અથડામણમાંથી આગળ વધી ખુલ્લા સૈન્ય સંઘર્ષ જેવી સ્થિતિમાં પહોંચી ગયો છે. અફઘાનિસ્તાનના તાલિબાન શાસકો દ્વારા સરહદ વિસ્તારમાં કરવામાં આવેલા હુમલાના જવાબમાં પાકિસ્તાની વાયુસેનાએ “ઓપરેશન ગઝબ લિલ હક” હેઠળ ગત રાત્રે અફઘાનિસ્તાનના અનેક શહેરો પર એરસ્ટ્રાઈક કરી હોવાનું દાવો કર્યો છે. પાકિસ્તાનના રક્ષા પ્રધાન ખ્વાઝા આસિફે આ પરિસ્થિતિને ગંભીર ગણાવી તાલિબાન સામે કડક કાર્યવાહી કરવાની જાહેરાત કરી છે.
પાકિસ્તાની દાવા મુજબ 27 ફેબ્રુઆરી 2026ની વહેલી સવારે કાબુલ, કંદહાર અને પક્તિયા પ્રાંતમાં તાલિબાનના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવી ભારે બોમ્બમારો કરવામાં આવ્યો હતો. કાબુલમાં બે બ્રિગેડ હેડક્વાર્ટર નષ્ટ થયા હોવાનું કહેવામાં આવ્યું છે, જ્યારે કંદહારમાં કોર હેડક્વાર્ટર, દારૂગોળા ડેપો અને લોજિસ્ટિક્સ બેઝ પર પણ હુમલો કરાયો છે. પક્તિયા પ્રાંતમાં પણ એક સૈન્ય મથક તોડી પાડવામાં આવ્યું હોવાનું પાકિસ્તાનનો દાવો છે.
પાકિસ્તાની સૂત્રો મુજબ આ કાર્યવાહીમાં 72 થી 133 જેટલા તાલિબાની લડાકૂ માર્યા ગયા છે અને 200 થી વધુ ઘાયલ થયા છે. 80થી વધુ ટેન્ક, આર્ટિલરી અને સૈન્ય વાહનો નષ્ટ થયા હોવાનો પણ દાવો છે. ઉપરાંત 27 તાલિબાની ચેકપોસ્ટ તોડી પાડવામાં આવી હોવાનો અને તેમાંની 9 પર પાકિસ્તાની દળોએ કબજો જમાવ્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
બીજી તરફ અફઘાનિસ્તાનની તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે પાકિસ્તાની હુમલાને “કાયરતાપૂર્ણ” ગણાવ્યો છે અને કાબુલ-કંદહારમાં એરસ્ટ્રાઈક થયાની પુષ્ટિ કરી છે, પરંતુ મોટા નુકસાનને નકારી કાઢ્યું છે. તાલિબાનનો દાવો છે કે અગાઉની સરહદી અથડામણમાં 55 પાકિસ્તાની સૈનિકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા અને 19 સૈન્ય ચોકીઓ પર કબજો મેળવવામાં આવ્યો હતો.
પાકિસ્તાનના માહિતી મંત્રી અતાઉલ્લા તરારે સોશિયલ મીડિયા પર આ કાર્યવાહી “સચોટ અને અસરકારક” હોવાનું જણાવ્યું છે અને કહ્યું છે કે તાલિબાન દ્વારા કોઈપણ ઉશ્કેરણી વગર પાકિસ્તાની ચોકીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેના જવાબમાં આ એરસ્ટ્રાઈક અનિવાર્ય બની હતી. હાલ બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે અને પરિસ્થિતિ યુદ્ધ જેવી બની જતાં સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ વ્યાપ્યો છે.