ધો. 10-12ના વિદ્યાર્થીઓને કોમિક બુક સીરિઝના માધ્યમથી આવકવેરાનું જ્ઞાન અપાશે
આવકવેરા ખાતાનો સહયોગ લઈને સમગ્ર દેશના સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન છોકરાઓને આવકવેરાને લગતું જ્ઞાન આપવાનું આયોજન કરવા માંડ્યું છે. આ સંદર્ભમાં સીબીએસઈ અને આવકવેરા ખાતાના અધિકારીઓ વચ્ચે ચર્ચા વિચારણા થઈ ચૂકી છે. તેને માટે આઠ જુદી જુદી કોમિક બુકની સીરિઝ તૈયાર કરવામાં આવી રહી છે. તેમાં મોટું અને પતલું નામના બે કેરેક્ટરના સંવાંદના માધ્યમથી અને કાર્ટૂન ચિત્રોના માધ્યમથી 10થી 12માં ધોરણના બાળકોને આવકવેરા અંગેનું જ્ઞાન આપવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આમ રમતાં રમતાં આવકવેરાના અત્યંત ગંભીર વિષયનું જ્ઞાન આપવાનું નક્કી કરવામાં આવી રહ્યું છે.
બાળકોમાં મોટું-પતલુંના કેરેક્ટર બહુ જ લોકપ્રિય થયેલા હોવાથી આ બે કેરેક્ટરને પસંદ કરીને આવકવેરા અંગેની જાણકારી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે આ આયોજન કર્યું છે. ડિરેક્ટોરેટ ઓફ ઈન્કમટેક્સે મોટું-પતલુંના કેરેક્ટરને લઈને આવકવેરાની જુદી જુદી જોગવાઈ અને તેના જમા પાસાઓની સમજણ આપતી આઠ પુસ્તકની સીરિઝ તૈયાર કરી દીધી છે. આઝાદી કા અમૃત મહોત્સવના વર્ષને ધ્યાનમાં રાખીને પ્રસ્તુત આયોજન કરવામાં આવ્યું છે.
દેશમાં આવકવેરાની સરકારને આવક વધતા દેશને કઈ રીતે ફાયદો થાય છે તેની સમજણ પણ આઠ પુસ્તકની સિરીઝમાં આપવામાં આવેલી છે. આ કોમિક બુક એક કરતાં વધુ સ્થાનિક ભાષામાં તૈયાર કરવામાં આવેલી છે. દેશના જુદાં જુદા રાજ્યોની શાળાઓને કોમિક બુકની લિન્ક મોકલી આપવાની સૂચના આપી દેવામાં આવી છે. દરેક શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને આ લિન્ક મોકલી આપવામાં આવી છે. આ સાથે જ શાળાઓને કોમિક બુક સાથે વધારાની કેટલીક વિગતો ઉમેરીને તેની સમજણ વિદ્યાર્થીઓને આપવાની છૂટ આપવામાં આવી છે. તેમ કરવાથી ભારતની વેરાની સિસ્ટમ અંગે જાણકારી મેળવવાની વિદ્યાર્થીઓની જિજ્ઞાસામાં વધારો થશે.