Advertisement

ધર્મજ: કારનો કાચ તોડી તસ્કરો ₹70,000ની રોકડ ચોરી ફરાર

ધર્મજ: કારનો કાચ તોડી તસ્કરો ₹70,000ની રોકડ ચોરી ફરાર

પેટલાદના ધર્મજ સ્થિત પાર્ટી પ્લોટની બહાર કોઈ અજાણ્યા શખસોએ નિશાન બનાવી કારની જમણી સાઈડનો કાચ તોડી નાંખી રૂપિયા 70 હજારની મતાની ચોરી કરી હતી. મૂળ પેટલાદના અને હાલમાં મુંબઈ ખાતે રહેતા રાજેશભાઈ અરવિંદભાઈ પટેલ ગત 17મી જાન્યુઆરીના રોજ ખંભાત અને પેટલાદ ખાતે લગ્નપ્રસંગ હોઈ હાજરી આપવા માટે આવ્યા હતા. દરમિયાન, તેઓ તેમની કાર લઈને પહેલાં ખંભાત ખાતે ગયા હતા અને સાંજના તેઓ ધર્મજ ખાતે આવ્યા હતા. જ્યાં ધર્મજ સ્થિત દેવ પાર્ટી પ્લોટની બહાર તેમણે તેમની કાર પાર્ક કરી હતી. દરમિયાન, રાત્રિના સાડા નવ વાગ્યે તેઓ જમી પરવારીને કાર પાસે આવ્યા ત્યારે કારની જમણી સાઈડનો પાછળનો કાચ તુટેલો હતો.


કારમાંથી તમામ વસ્તુઓ ગાયબ હતી. કારમાં કપડાં, સોનાના ઘરેણાં, રોકડા રૂપિયા 20 હજાર તથા કિંમતી ડોક્યુમેન્ટસ મળી કુલ રૂપિયા 70 હજારની મતા હતી. સિકયુરીટી અને લાઇટના અભાવે ચોરોને મોકળુ મેદાન હાલમાં લગ્નસરાની મોસમ ચાલી રહી છે ત્યારે બીજી તરફ કેટલીક ચોક્કસ ટોળકી-ગેંગના સાગરિતો ચોરી કરવા માટે સક્રિય થતા હોય છે. મોટાભાગના પાર્ટી પ્લોટ બહાર પાર્કિંગની સુવિધા હોતી નથી અને હોય તો માંડ એકાદ સિકયુટીરી ગાર્ડ ઉભો રખાય છે. વાહનો મૂકવા પાર્કિંગની જગ્યામાં પૂરતી લાઇટ પણ ન હોવાથી ઉઠાવગીરોને મોકળુ મેદાન મળી જતુ હોય છે.


Advertisement