દિવાળીને અગ્રતા આપી આણંદમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગનું સઘન ચેકિંગ
દિવાળીના તહેવારો પૂર્વે આણંદ જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મદદનીશ કમિશનરની કચેરી દ્વારા વિવિધ ખાદ્ય ચીજો અને મિલ્ક પ્રોડક્ટની ગુણવત્તા ચકાસણી માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત, છેલ્લા એક અઠવાડિયા દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમોએ આણંદ શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મિલ્ક અને મિલ્ક પ્રોડક્ટનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરતી કુલ 17 પેઢીઓની તપાસ કરી હતી.
આ તપાસનો મુખ્ય ઉદ્દેશ્ય નગરજનોને શુદ્ધ ખોરાક મળી રહે તે સુનિશ્ચિત કરવાનો હતો. તપાસ દરમિયાન, મીઠોમાવો, બરફી સ્વીટ (લુઝ), માવો (લુઝ), પનીર (લુઝ) અને ચીઝ મિલ્ક (લુઝ) જેવી મિલ્ક પ્રોડક્ટના કુલ 67 નમૂના પૃથ્થકરણ માટે લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ઉત્પાદન અને સંગ્રહ પ્રક્રિયામાં સ્વચ્છતા અને હાઈજીનના નિયમોનું પાલન થાય છે કે કેમ તેની પણ ચકાસણી કરાઈ હતી.
ત્રણ પેઢીઓમાં ત્રુટિઓ જણાતા તેમને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ પાઠવવામાં આવી છે, જેના જવાબ મળ્યેથી આગળની કાર્યવાહી કરાશે. મિલ્ક પ્રોડક્ટ ઉપરાંત, એડિબલ ઓઇલ, બેકરી પ્રોડક્ટ અને કન્ફેક્શનરી/ચોકલેટનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરતી પેઢીઓની પણ તપાસ કરવામાં આવી હતી. આ કેટેગરીમાંથી ખાદ્યતેલના 14, બેકરી પ્રોડક્ટના 28 અને કન્ફેક્શનરી/ચોકલેટના 8 એમ કુલ 50 નમૂના પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આ તમામ નમૂનાઓના પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, આણંદના ડેઝિગ્નેટેડ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું છે કે 'ફૂડ સેફટી ઓન વ્હીલ' દ્વારા દૂધના નમૂનાઓનું સ્થળ પર જ પરીક્ષણ પણ કરવામાં આવ્યું છે.