દાદર તૂટી, બે મહિલાઓના જીવ ગયા – દેવાતળપદમાં ગંભીર દરાર, પરિવારોમાં શોક
સોજીત્રા તાલુકાના દેવા તળપદ ગામના લક્ષ્મીપુરામાં ગઇકાલે (તારીખ-18/06/2025)ના રોજ કરુણ ઘટના સામે આવી હતી. ભરતભાઈ ગોહેલના પત્ની મંજુલાબેન (ઉ.વ. 40) અને તેમના પડોશી ગીતાબેન ગોહેલ (ઉ.વ. 55) પોતાના ઘર પાસે દાદર નીચે બેસીને વાતો કરી રહ્યા હતા.
અચાનક આરસીસી દાદર ધરાશયી થતાં બંને મહિલાઓ કાટમાળ નીચે દબાઈ ગઈ હતી. દાદર તૂટવાનો અવાજ સાંભળી આસપાસના લોકો તરત જ દોડી આવ્યા હતા. લોકોએ કાટમાળ હટાવીને બંને મહિલાઓને બહાર કાઢી હતી. પરંતુ ગંભીર ઈજાઓને કારણે બંનેના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.
ઘટનાની જાણ થતાં તાલુકા વિકાસ અધિકારી જેનીબેન ગઢવી, તલાટી વિજયભાઈ વાલ્મિક અને ગામના અગ્રણીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સોજીત્રા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. સોજીત્રા પોલીસે અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.