Advertisement

ત્રણ કરોડ કરતા વધુ રકમ હવાલા મારફતે USDT માં કન્વર્ટ કરી દુબઇ મોકલી આપતી ગેંગ ના ત્રણ સભ્યોને આણંદ સાઈબર ક્રાઈમે ઝડપી પાડ્યા!!

ત્રણ કરોડ કરતા વધુ રકમ હવાલા મારફતે USDT માં કન્વર્ટ કરી દુબઇ મોકલી આપતી ગેંગ ના ત્રણ સભ્યોને આણંદ સાઈબર ક્રાઈમે ઝડપી પાડ્યા!!

આણંદ સાયબર ક્રાઇમ પોલીસે રૂ. 3.38 કરોડના સાયબર ફ્રોડના કેસમાં મોટી કાર્યવાહી કરી છે. પોલીસે મ્યુલ એકાઉન્ટની તપાસ કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

ગૃહ વિભાગ દ્વારા શરૂ કરાયેલા 'ઓપરેશન મ્યુલ હન્ટ ડ્રાઇવ' અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી હતી. વડી કચેરી અને ભારત સરકારના I4C પોર્ટલ પરથી મળેલી મ્યુલ એકાઉન્ટની માહિતીના આધારે તપાસ શરૂ થઈ હતી.

સાયબર ફ્રોડના વધતા બનાવોને રોકવા માટે, અમદાવાદ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અને આણંદ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના હેઠળ આણંદ સાયબર ક્રાઇમે મ્યુલ એકાઉન્ટની વિસ્તૃત તપાસ હાથ ધરી હતી. આ તપાસના આધારે કુલ ત્રણ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા.

તપાસમાં સામે આવ્યું કે, ગૌરવ ઠાકુરભાઇ શાહ (ઉમરેઠ)ના ઇશારે ક્રુતાર્થ દીવ્યાંગકુમાર શાહ (ઉમરેઠ)એ તેના મિત્રો ઋષિ અતુલકુમાર શાહ, ભારદ્વાજ યોગેશભાઇ ભીન્ડી અને હીરલકુમાર મિતુલભાઇ પટેલની મદદથી ષડયંત્ર રચ્યું હતું.

આ ગેંગે ભારતના વિવિધ રાજ્યોમાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકો પાસેથી છેતરપિંડી કરીને અનેક બેન્ક ખાતાઓમાં રકમ જમા કરાવી હતી. આ રીતે મેળવેલી કુલ રૂ. 3.38 કરોડની રકમને હવાલા મારફતે USDT ક્રિપ્ટો કરન્સીમાં રૂપાંતરિત કરીને દુબઈ મોકલવામાં આવતી હતી.

પોલીસ તપાસમાં આ સમગ્ર પ્રવૃત્તિ સંગઠિત રીતે થતી હોવાનું સ્પષ્ટ થયું છે. પોલીસે પાંચ આરોપીઓ પૈકી ઋષિ અતુલકુમાર શાહ, ભારદ્વાજ યોગેશભાઇ ભીન્ડી અને હીરલકુમાર મિતુલભાઇ પટેલની ધરપકડ કરી છે. અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે.

આ ગુનામાં કુલ 17 મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ થયો હતો. NCCRP પોર્ટલ પર ભારતના વિવિધ રાજ્યોમાંથી આ એકાઉન્ટ્સ પર કુલ 37 ઓનલાઇન ફાઇનાન્સિયલ ફ્રોડ અને સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી છે.

આરોપીઓની મોડસ ઓપરેન્ડી આરોપીઓ એકબીજાના મેળાપીપણામાં પૂર્વ આયોજીત રીતે ષડયંત્ર રચી લોકોને વિશ્વાસમા લઇ એકાઉન્ટ ખોલાવતાં. જે બાદ તેમના બેન્ક ખાતાઓમાં રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવી નાણા મેળવી આગળ હવાલા મારફતે તેમના મળતીયાઓને મોકલી સાયબર ફ્રોડને અંજામ આપતા હતા.

બે આરોપીઓ હાલ દુબઈ હોવાનું જાણવા મળ્યું છે: DYSP આ અંગે નાયબ પોલીસ અધિક્ષક રિદ્ધી ગુપ્તે જણાવે છે કે, આ પકડાયેલા ત્રણ આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જ્યારે બાકીના બે આરોપીઓ હાલ દુબઈ ખાતે ગયા હોવાનું તપાસ દરમિયાન જાણવા મળ્યું છે. જે અંગે વધુ તપાસ ચાલું છે.

Advertisement