Advertisement

જૂનાગઢ મહાશિવરાત્રી મેળાની તૈયારીઓ તેજ: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક

જૂનાગઢ મહાશિવરાત્રી મેળાની તૈયારીઓ તેજ: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક

જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં યોજાતા વિશ્વ પ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળાના સુચારૂ આયોજન માટે આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સાધુ-સંતો અને વહીવટી તંત્ર સાથે મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મેળાને વધુ ભવ્ય, સુરક્ષિત અને યાદગાર બનાવવા માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.

પ્રથમવાર અલૌકિક નગરયાત્રાનું આયોજન

આગામી તા. 11 થી 15 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર મહાશિવરાત્રી મેળામાં આ વર્ષે પ્રથમવાર સાધુ-સંતોના નગર પ્રવેશ સાથે અલૌકિક નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 11 ફેબ્રુઆરીએ સાંજે તમામ સાધુ-સંતોના આગમન સમયે તેમનું ભવ્ય સ્વાગત કરવા માટે નગરયાત્રા નીકળશે, જે શ્રદ્ધાળુઓ માટે વિશેષ આકર્ષણ બનશે.

 અત્યાર સુધીનો સૌથી ભવ્ય અને યાદગાર મેળો

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ વર્ષનો મહાશિવરાત્રી મેળો અત્યાર સુધીનો સૌથી મોટો અને યાદગાર મેળો બનશે. ‘મિની કુંભ’ તરીકે ઓળખાતા આ મેળામાં પધારનારા સાધુ-સંતો અને લાખો શ્રદ્ધાળુઓના સ્વાગત માટે વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે.

 રવેડી રૂટમાં વધારો

શ્રદ્ધાળુઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને નાગા સાધુઓની રવેડીનો રૂટ 1.5 કિ.મી.માંથી વધારીને 2 કિ.મી. કરવામાં આવ્યો છે, જેથી વધુમાં વધુ ભાવિકો દર્શનનો લાભ લઈ શકે.

 સુરક્ષા અને વ્યવસ્થાઓમાં મોટો વધારો

મેળા દરમિયાન દર વર્ષે તૈનાત રહેતા અંદાજે 1600 પોલીસ જવાનોની સંખ્યા આ વર્ષે વધારીને 2900થી વધુ કરવામાં આવી છે. સમગ્ર મેળા વિસ્તારમાં CCTV કેમેરા દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે. પ્રથમવાર 1000થી વધુ સ્થાનિક યુવાનોને વોલેન્ટિયર તરીકે જોડીને મેળાની વ્યવસ્થામાં સામેલ કરવામાં આવશે.

રહેવા-ખાવાની વિશેષ વ્યવસ્થા

લાખો શ્રદ્ધાળુઓ માટે ડોરમેટરી, ઉતારા, પાર્કિંગ અને અવરજવર માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. 300થી વધુ સામાજિક અને સેવાકીય સંસ્થાઓ દ્વારા ભોજન અને પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવશે. રૂટ પર શુદ્ધ પીવાના પાણી અને સ્વચ્છ શૌચાલયોની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

ભોલેનાથ થીમ પર સુશોભન અને લાઈવ સ્ટ્રીમિંગ

રાજ્ય સરકારના ટુરિઝમ વિભાગ દ્વારા સમગ્ર રૂટને ભગવાન ભોલેનાથની થીમ પર શણગારવામાં આવશે. જૂનાગઢ શહેરને વિશેષ રોશનીથી શણગારવામાં આવશે. રૂટ પર સેલ્ફી પોઈન્ટ્સ અને ઇન્ફોર્મેશન સેન્ટર પણ બનાવાશે. શાહી સ્નાન સહિતના મહત્વના પ્રસંગોનું લાઈવ સ્ટ્રીમિંગ પણ કરવામાં આવશે.

આ બેઠક દરમિયાન મહાશિવરાત્રી મેળા માટે તૈયાર કરાયેલું વિશેષ ગીત પણ લોન્ચ કરવામાં આવ્યું હતું. ભવનાથના આંગણે યોજાતા આ ભક્તિ અને શ્રદ્ધાના મહાપર્વમાં દેશભરના સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓને પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે. સાથે જ સ્થાનિક નાગરિકોને વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.

Advertisement