આણંદ, ગુરૂવાર :રાજ્યના નાગરિકોના પ્રશ્નોનું ઝડપી અને અસરકારક નિરાકરણ લાવવાના ઉદ્દેશ્યથી આરંભાયેલ સ્વાગત- ફરિયાદ નિવારણના પ્રજાલક્ષી કાર્યક્રમ અંતર્ગત હજારો અરજદારોના પ્રશ્નોનું સુખદ નિરાકરણ આવ્યું છે. પ્રતિમાસ સ્વાગત કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ સ્વાગત કાર્યક્રમ યોજાય છે.
જે અન્વયે આણંદ જિલ્લાના અરજદારોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ થાય તે માટે જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી,આણંદના સભાખંડ ખાતે ફેબ્રુઆરી માસનો જિલ્લા કક્ષાનો 'સ્વાગત' ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત અરજદારોની વિવિધ વિભાગોને સંલગ્ન રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી જિલ્લા કલેકટરશ્રીએ સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચના - માર્ગદર્શન આપ્યુ હતું. તેમજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત કુલ ૦૬ અરજદારો પૈકી પાંચ અરજદારોના વિવિધ બાબતો અંગેના પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું હતું, જ્યારે એક અરજદારનો પ્રશ્ન પેન્ડિંગ રાખવામાં આવ્યો છે.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવાહુતી, નિવાસી અધિક કલેકટરશ્રી આર.એસ.દેસાઈ, પ્રાંત અધિકારી સર્વશ્રી ડૉ.મયુર પરમાર અને અમિત પટેલ તેમજ નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી જે.એન.પંચાલ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ તથા અરજદારો ઉપસ્થિત રહ્યાં હતા.