Advertisement

ગેરકાયદે બાંધકામ સામે AMCનું મોટું એક્શન, પાલડીમાં કાર્યવાહી

ગેરકાયદે બાંધકામ સામે AMCનું મોટું એક્શન, પાલડીમાં કાર્યવાહી

અમદાવાદના પોશ ગણાતા પાલડી વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ગેરકાયદે બાંધકામ સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાલડીના કોચરબ આશ્રમ પાછળ આવેલી નૂતન સર્વોદય સોસાયટીમાં મુસ્તુફા માણેકચંદના બંગલામાં થયેલા ગેરકાયદે બાંધકામને તોડી પાડવાની કાર્યવાહી આજે 16 જાન્યુઆરીના રોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ કરવામાં આવી છે.

પોલીસ કાફલા સાથે AMCનું ઓપરેશન

આજે વહેલી સવારથી જ AMCની ટીમ પોલીસ કાફલા સાથે નૂતન સર્વોદય સોસાયટી પહોંચી હતી. કોઈ પણ પ્રકારનો વિરોધ કે અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
તંત્ર દ્વારા બંગલાના જે ભાગમાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું, તેને જમીનદોસ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રાજકીય રજૂઆત બાદ તંત્ર હરકતમાં

આ કાર્યવાહી પાછળ લાંબા સમયથી ચાલતો વિવાદ અને રાજકીય રજૂઆત કારણભૂત હોવાનું મનાય છે. એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે કોચરબ આશ્રમ આસપાસ થતા ગેરકાયદે બાંધકામો અને અશાંતધારા ભંગ બાબતે ઉચ્ચ સ્તરે પત્ર લખી ગંભીર રજૂઆત કરી હતી.
ધારાસભ્યના પત્ર બાદ સર્જાયેલા વિવાદને પગલે AMC તંત્ર હરકતમાં આવ્યું હતું. કાયદાકીય જોગવાઈઓના ભંગ બદલ અગાઉ નોટિસ ફટકાર્યા બાદ આજે તોડપાડની કાર્યવાહી કરવામાં આવી છે.

પાલડી વિસ્તારમાં ચર્ચાનો વિષય

પાલડી જેવા રહેણાંક અને પોશ વિસ્તારમાં નામાંકિત વ્યક્તિના બંગલા પર તંત્રનો હથોડો વાગતા આસપાસના રહીશોમાં ચર્ચા અને ગરમાવો જોવા મળી રહ્યો છે.
અશાંતધારા અને ગેરકાયદે બાંધકામ સામે લેવામાં આવેલી આ કડક કાર્યવાહીના કારણે અન્ય ગેરકાયદે બાંધકામ કરનારાઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

તંત્રનો સ્પષ્ટ સંદેશ

AMC દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશ મળ્યો છે કે શહેરમાં ગેરકાયદે બાંધકામ સામે તંત્ર હવે કોઈને પણ બક્ષશે નહીં.

Advertisement