Advertisement

ગૃહમંત્રી અમિત શાહ 13 જાન્યુઆરીએ આણંદ આવશે

ગૃહમંત્રી અમિત શાહ 13 જાન્યુઆરીએ આણંદ આવશે

નેશનલ અસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સીલ (NAAC) દ્વારા “A+” ગ્રેડ પ્રાપ્ત અને ગુજરાત સરકાર દ્વારા 'સેન્ટર ઓફ એક્સલન્સ' તરીકે માન્યતા પ્રાપ્ત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ચારૂસેટ), ચાંગાનો 15મો પદવીદાન સમારંભ 13 જાન્યુઆરી, 2026ના રોજ ચારૂસેટ કેમ્પસમાં યોજાશે. આ સમારંભમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારમંત્રી અમિતભાઈ શાહ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી દીક્ષાંત પ્રવચન આપશે. ચારૂસેટના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલ અધ્યક્ષસ્થાને રહેશે.

કુલ 2794 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે, જેમાં 1076 વિદ્યાર્થિનીઓ અને 1718 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વિવિધ વિદ્યાશાખાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર 45 તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડમેડલ અર્પણ કરાશે, જેમાં 28 વિદ્યાર્થિનીઓ અને 14 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. 38 વિદ્યાર્થીઓને પી.એચ.ડી.ની ડિગ્રી પણ એનાયત થશે, જેમાં 19 વિદ્યાર્થિનીઓ અને 19 વિદ્યાર્થીઓ છે.

ચારૂસેટના રજીસ્ટ્રાર ડો. બિનીત પટેલે ગોલ્ડ મેડલની વિશિષ્ટતાઓ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, યુનિવર્સિટીમાં 2012ના પ્રથમ પદવીદાન સમારંભથી તેજસ્વી વિદ્યાર્થીઓને 14 કેરેટના 15 ગ્રામ વજનના શુદ્ધ સુવર્ણ ચંદ્રક આપવાની પરંપરા છે. અત્યાર સુધીમાં કુલ 14 પદવીદાન સમારંભમાં 439 ગોલ્ડ મેડલ એનાયત કરાયા છે. આગામી સમારંભમાં પણ 45 ગોલ્ડમેડલ શુદ્ધ સોનાના હશે.

આ પદવીદાન સમારંભમાં ફેકલ્ટી ઓફ ફાર્મસીના 173, ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝના 429, ફેકલ્ટી ઓફ મેડિકલ સાયન્સના 183, ફેકલ્ટી ઓફ સાયન્સના 197, ફેકલ્ટી ઓફ કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એપ્લિકેશન્સના 692 અને ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જીનીયરીંગના 1120 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરાશે. કુલ ડિગ્રીઓમાં 2018 અંડર ગ્રેજ્યુએટ, 713 પોસ્ટ ગ્રેજ્યુએટ, 25 પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા અને 38 પી.એચ.ડી. ડિગ્રીનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે માતૃસંસ્થા, કેળવણી મંડળ અને સી.એચ.આર.એફ.ના માનદ મંત્રી ડો. એમ. સી. પટેલ, માતૃસંસ્થાના પ્રમુખ કિરણભાઈ પટેલ અને સી.એચ.આર.એફ.ના પ્રમુખ તથા સોજીત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેશે.

Advertisement