ગૃહમંત્રી અમિત શાહે મનપાની નબળી કામગીરી મામલે અધિકારીઓની કાઢી ઝાટકણી
ગાંધીનગર મહાનગર પાલિકાની કામગીરીથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારાજ થયા. ગઈકાલેની બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે GMCના પદાધિકારીઓ અને અધિકારીઓનો ઉધડો લીધો. અમિત શાહની ફટકાર બાદ આજે રજાના દિવસે પણ GMCના પદાધિકારીઓ અને અધિકારીઓની બેઠક બોલાવવામાં આવી છે. રાજયમાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાયાની સ્થિતિ સર્જાઈ છે. રાજધાની ગાંધીનગરમાં પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા હોવાનું સામે આવતા કેન્દ્રીયમંત્રી અમિતશાહે અધિકારીઓનો ઉધડો લીધો.
રાજધાનીમાં મનપા અધિકારીઓની બેઠક
આજે ગાંધીનગરમાં મનપા અધિકારીઓની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં ગૃહરાજ્યમંત્રી અને પ્રભારી મંત્રી હર્ષ સંઘવી GMC પહોંચ્યા છે. અને ગૃહમંત્રી પણ GMC ના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથેની બેઠકમાં સામેલ થશે. આ બેઠકમા GMC ના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીગ કમિટી ચેરમેન, મ્યુન્સીપલ કમિશ્નર, ડેપ્યુટી મ્યુન્સિપલ કમિશ્નર સહિતના પદાધિકારી-અધિકારીઓ હાજર રહેશે.
“દિશા” અંતર્ગત બેઠક યોજાઈ
જણાવી દઈએ કે વરસાદ બાદ ગાંધીનગરમા ભરાયેલ પાણી અને મનપાની હલકી ગુણવતાની કામગીરી અંગે અમિત શાહે નારાજગી વ્યક્ત કરી હતી. જેના બાદ GMCની તાબડતોડ બેઠક બોલાવવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ હાલ ગુજરાત પ્રવાસે છે ત્યારે ગૃહમંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં “દિશા” અંતર્ગત બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગાંધીનગર જિલ્લાના જુદા જુદા વિભાગના 38 અધિકારીઓ દ્વારા કુલ 69 યોજનાઓની સમિક્ષા કરવામાં આવી હતી.
મનપા અધિકારીઓનો ગૃહમંત્રીએ લીધો કલાસ
નોંધનીય છે કે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અને કાર્યક્રમોના અમલીકરણ પર દેખરેખ રાખવા માટે દિશા સમિતિઓની રચના કરાઈ છે. હાલમાં યોજાયેલ દિશા સમિતિની બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રી પ્રગતિલક્ષી અને વિકાસલક્ષી કાર્યોનું પ્રેઝન્ટેશન નિહાળ્યા બાદ રાજધાનીમાં વરસાદી પાણી ભરાતા મનપા અધિકારીઓનો કલાસ લીધો હતો.