ગુજરાત પોલીસની GP-SMASH પહેલે 10 મહિનામાં 1150થી વધુ ફરિયાદોનો ઝડપી નિકાલ
ગુજરાત પોલીસે નાગરિકોની ફરિયાદોને ઝડપી અને અસરકારક રીતે ઉકેલવા માટે શરૂ કરેલી GP-SMASH (Gujarat Police – Social Media Monitoring, Analysis & Systematic Handling) પહેલે માત્ર 10 મહિનામાં મોટી સફળતા મેળવી છે. આ પહેલ હેઠળ સોશિયલ મીડિયા પરથી મળેલી કુલ 1163 ફરિયાદોમાંથી 1150થી વધુ ફરિયાદોનો ઝડપી અને સંતોષજનક નિકાલ કરવામાં આવ્યો છે.
GP-SMASH પ્રોજેક્ટ 1 માર્ચ 2025થી અમલમાં આવ્યો છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ સોશિયલ મીડિયા પર લોકો દ્વારા રજૂ થતી ફરિયાદો, ચિંતા અને સૂચનોને તરત જ સંબંધિત પોલીસ એકમ સુધી પહોંચાડી સમયસર કાર્યવાહી કરવાનો છે.
આ પહેલ હેઠળ ટ્રાફિક સંબંધિત 377, સાયબર ક્રાઇમની 233, ચોરી-લૂંટ અને ગુમશુદાની 109, પ્રોહિબિશનની 83, કાયદો અને વ્યવસ્થાની 71, શરીર સંબંધી ગુનાઓની 71 તેમજ પોલીસ ગેરવર્તણૂકની 30 ફરિયાદો સહિત કુલ 1163 ફરિયાદોનો ઉકેલ લાવવામાં આવ્યો છે.
GP-SMASH દ્વારા નોંધપાત્ર કામગીરી તરીકે ટ્રેનમાંથી પડી ગયેલી મહિલાના બાળકોને મિનિટોમાં સુરક્ષિત બચાવ્યા, કેનેડામાં રહેતા યુવકને એક જ દિવસમાં ₹65,000 પરત અપાવ્યા તેમજ નર્મદા જિલ્લાના જંગલમાં ભુલાયેલા પાંચ યુવાનોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
રાજ્યના પોલીસ વડા ડો. કે.એલ.એન. રાવના નેતૃત્વમાં અને DIG દીપક મેઘાણીના માર્ગદર્શન હેઠળ GP-SMASHની સ્ટેટ લેવલ ટીમ 24 કલાક સોશિયલ મીડિયા પર નજર રાખે છે. ઉપરાંત જિલ્લાકક્ષાએ પણ અલગ-અલગ ટીમો કાર્યરત છે.
હવે નાગરિકો પોલીસથી માત્ર એક ક્લિક દૂર છે. X (Twitter) પર @GujaratPoliceને ટેગ કરીને પોતાની ફરિયાદ નોંધાવી શકાય છે. સોશિયલ મીડિયા હવે માત્ર અભિવ્યક્તિનું માધ્યમ નહીં, પરંતુ ઝડપી ઉકેલનું શક્તિશાળી સાધન બની રહ્યું છે.