ગુજરાતમાં સરકારી કચેરીઓ માટે ‘નાઇટ શિફ્ટ’ની માંગ, ગોપાલ ઈટાલિયાનો CMને પત્ર
ગુજરાતમાં સામાન્ય જનતાને સરકારી કામકાજ માટે નોકરી-ધંધામાં રજા પાડીને ધક્કા ખાવા ન પડે એ માટે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ મુખ્યમંત્રી સમક્ષ એક નવતર પ્રસ્તાવ મૂક્યો છે. તેમણે ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને માગ કરી છે કે રાજ્યમાં મામલતદાર, તાલુકા પંચાયત અને ગ્રામપંચાયત જેવી જનતા સાથે સીધી જોડાયેલી કચેરીઓનો સમય બદલીને 'બપોરના 2થી રાત્રિના 9 વાગ્યા' સુધીનો કરવો જોઈએ. ઈટાલિયાએ એ પણ ઉલ્લેખ કર્યો છે કે જો પોલીસ સ્ટેશન અને ટોલનાકા જેવી વ્યવસ્થાઓ રાત-દિવસ ચાલુ રહી શકતી હોય, તો જનતાના હિત માટે વહીવટી કચેરીઓ રાત્રે 9 વાગ્યા સુધી કેમ ચાલુ ન રાખી શકાય?
અરજદારોને આર્થિક નુકસાન અને રજાની ઝંઝટમાંથી મુક્તિ મળશેઃ ઈટાલિયા
ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ પત્રમાં જણાવ્યું છે કે હાલમાં સરકારી કચેરીઓનો સમય સવારના 10થી સાંજના 6 વાગ્યા સુધીનો હોય છે. આ સમયગાળામાં સામાન્ય માણસ પોતાની નોકરી, મજૂરી કે ખેતીકામમાં વ્યસ્ત હોય છે. નાનામાં નાના દાખલા કે સરકારી કામ માટે અરજદારે પોતાના કામમાંથી રજા પાડવી પડે છે. જો કામ એક દિવસમાં ન થાય તો વારંવાર રજા લેવી પડે છે, જેના કારણે ગરીબ અને મધ્યમવર્ગના લોકોને આર્થિક નુકસાન વેઠવું પડે છે. જો કચેરીઓ રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ હોય, તો લોકો કામ પતાવીને નિરાંતે પોતાના સરકારી કામ કરી શકે.
કઈ કચેરીઓ માટે કરાઈ માગ?
ગોપાલ ઈટાલિયાએ પત્રમાં ખાસ કરીને મામલતદાર અને પ્રાંત કચેરી, તાલુકા અને ગ્રામપંચાયત કચેરી, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ઝોન ઓફિસો અને વીજળી વિભાગ (GEB/PGVCL)ની કચેરીઓ કચેરીઓના સમયમાં ફેરફાર કરવા સૂચન કર્યું છે.

‘આ નિર્ણયથી ભ્રષ્ટાચારમાં પણ ઘટાડો થશે’
ધારાસભ્યએ પત્રમાં એ પણ ઉલ્લેખ કર્યો છે કે ગુજરાતમાં પોલીસ સ્ટેશન, ફાયરબ્રિગેડ, એસટી બસ સ્ટેશન, સરકારી હોસ્પિટલો અને સરકારી ટોલનાકા જેવી સેવાઓ 24 કલાક અથવા મોડીરાત સુધી કાર્યરત હોય છે. આ તમામ વ્યવસ્થાઓ જો જનતાની સુવિધા માટે રાત્રે ચાલુ રહી શકતી હોય, તો પંચાયત કે મામલતદાર કચેરીને પણ રાત્રિના 9 વાગ્યા સુધી ચાલુ રાખવામાં કોઈ ટેક્નિકલ અવરોધ આવવો જોઈએ નહીં. આ નિર્ણયથી ભ્રષ્ટાચારમાં પણ ઘટાડો થશે અને વચેટિયાઓની જરૂરિયાત ઓછી થશે.
ખેડૂતો અને શ્રમિકો માટે આશીર્વાદરૂપ બનશે
વિસાવદર જેવા ગ્રામીણ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા ધારાસભ્યએ ઉમેર્યું કે ખેડૂતો આખો દિવસ ખેતરમાં કામ કરતા હોય છે. તેમને 7/12ના ઉતારા કે અન્ય સહાય માટે આખો દિવસ બગાડીને શહેરમાં આવવું પડે છે. જો 'રાત્રિ કચેરી'નો કન્સેપ્ટ અમલમાં આવે, તો ગુજરાત મોડલમાં એક નવું છોગું ઉમેરાશે અને જનતાને ખરા અર્થમાં 'સરળ શાસન'નો અનુભવ થશે. હાલમાં આ પત્ર સોશિયલ મીડિયામાં પણ વાઇરલ થઈ રહ્યો છે, જેને ઘણા લોકો આવકારી રહ્યા છે, તો ઘણા લોકો વિરોધ કરી રહ્યા છે.