ગુજરાતમાં રાજકીય હલચલ, નેતાઓ દિલ્હીમાં બોલાવાયા
ગુજરાતની રાજનીતિને લઈ ફરી એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ આજે દિલ્લી ખાતે પાર્ટીના હાઈકમાન્ડ સાથે મહત્વપૂર્ણ બેઠક માટે પહોંચ્યા છે. આ બેઠક બપોરે 2 વાગ્યે કોંગ્રેસ ભવન, દિલ્લી ખાતે યોજાવાની છે. વિગતો મુજબ આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ, વિધાનસભામાં નેતા પ્રતિપક્ષ, પૂર્વ પ્રમુખો અને ઉપનેતાઓ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં કે.સી. વેણુગોપાલ અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક સાથે સંગઠનાત્મક બાબતો અને આગામી યોજનાઓ અંગે વિસ્તૃત ચર્ચા થવાની સંભાવના છે.
બેઠકમાં પ્રદેશ પ્રમુખ, વિધાનસભામાં નેતા પ્રતિપક્ષ, પૂર્વ પ્રમુખો અને ઉપનેતાઓ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી (AAP) સાથે ગઠબંધન થશે ?
ગુજરાતમાં કોંગ્રેસ બેઠી થશે ?
મહત્વનું છે કે, ગુજરાત કોંગ્રેસનું સંગઠન ફરીથી મજબૂત અને કાર્યક્ષમ બનાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે જેના ભાગરૂપે સંગઠનના માળખાને નવા માળખાં મુજબ ગોઠવવા માટે ચર્ચા કરવામાં આવશે. આ સાથે કેટલાક આગેવાનોએ જે આંતરિક ફરિયાદો રજૂ કરી છે, તે મુદ્દાઓ પર પણ ચર્ચા થશે. જોકે હવે આ બધાની વચ્ચે હવે ચર્ચા છે કે, શું ગુજરાતમાં કોંગ્રેસ બેઠી થશે ? કારણ છે કે છેલ્લી અનેક ચૂંટણીમાં કોંગ્રેસને હેડ નો સામનો કરવો પડ્યો છે.
સૌથી મોટો સવાલ AAP સાથે ગઠબંધન થશે ?
અહીં સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં, ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટી (AAP) સાથે ગઠબંધન કરવું કે નહીં એ મુદ્દો પણ ચર્ચાના એજન્ડામાં સમાવિષ્ટ છે. પાર્ટી આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરીને નિર્ણય પર પહોંચી શકે છે.
ગુજરાત કોંગ્રેસ માટે આ બેઠક અત્યંત નિર્ણાયક માનવામાં આવી રહી છે કારણ કે આગામી સમયમાં પક્ષને સંગઠનાત્મક દૃષ્ટિએ મજબૂત બનાવી ચૂંટણી માટે તૈયાર કરવાની દિશામાં આ બેઠક માર્ગદર્શક બની શકે છે.