Advertisement

ગુજરાતમાં નવા 26 મંત્રીઓની કેબિનેટ તૈયાર : થોડી વારમાં લેશે શપથ

ગુજરાતમાં નવા 26 મંત્રીઓની કેબિનેટ તૈયાર :  થોડી વારમાં લેશે શપથ

ગુજરાતમાં નવા 26 મંત્રીઓની કેબિનેટ તૈયાર : થોડી વારમાં લેશે શપથ

 ગુજરાતમાં 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના ભાજપ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરાયું છે. ગુજરાતના નવા મંત્રીમંડળ માટે કુલ 26 મંત્રીની યાદી જાહેર કરાઈ છે. 16 ઓક્ટોબર, ગુરુવારે રાજ્યના 16 મંત્રીએ રાજીનામા આપ્યા બાદ આજે સવારે (17 ઓક્ટોબર) 11:30 કલાકે મહાત્મા મંદિર ખાતે શપથવિધિ યોજાશે. આ પહેલાં ગાંધીનગરમાં રાજભવનમાં આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત કરી હતી. આ દરમિયાન મુખ્યમંત્રીએ ગુજરાતના મંત્રી મંડળની વર્તમાન સ્થિતિ અંગે રાજ્યપાલને માહિતગાર કર્યા હતા. તેમજ રાજ્યપાલ પાસેથી મંત્રી મંડળના સભ્યોની શપથવિધિ યોજવા મંજૂરી માંગી હતી.

નવા મંત્રીમંડળમાં 8 પાટીદાર નેતા અને ત્રણ મહિલા 

ગુજરાતના નવા મંત્રીમંડળમાં જાતિગત સમીકરણોનું સંતુલન સાધવાની સાથે પ્રજાની નારાજગી દૂર કરવાનો પણ પ્રયાસ કરાયો હોવાનું કહેવાય છે. નવા મંત્રીમંડળમાં 8 ઓબીસી, 3 એસસી, 4 એસટી નેતાઓને સ્થાન અપાયું છે, જ્યારે 26 મંત્રીમાં 8 પાટીદાર નેતાને સ્થાન અપાયું છે તે સૂચક છે. આ સિવાય નવા મંત્રીમંડળમાં ત્રણ મહિલાનો પણ સમાવેશ કરાયો છે.

 કોને મળ્યું મંત્રીમંડળમાં સ્થાન

અમરેલી જિલ્લાને નવા મંત્રી મંડળમાં મળ્યું પ્રાધાન્ય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રી મંડળના વિસ્તરણને લઈને અમરેલી જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. લાંબા સમયથી અમરેલી જિલ્લાને મંત્રીમંડળમાં સ્થાન મળશે કે કેમ, તે અંગેની અટકળોનો હવે અંત આવતો જણાય છે.  અમરેલી જિલ્લાના ધારાસભ્યો પૈકી કોઈ એકને મંત્રી પદ મળે તેવી પ્રબળ સંભાવનાઓ વચ્ચે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયાને મંત્રીમાં સ્થાન મળતાં મળતા અમરેલીમાં ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં હરખની હેલી જોવા મળી રહી છે. ધારાસભ્ય કૌશિક વેકરીયાના કાર્યાલય કર્તવ્યમ ખાતે કાર્યકરોનો આતીશબાજી કરી ખુશી વ્યક્ત કરી હતી. ભારત માતાકી જય, વંદે માતરમ્,  કૌશિકભાઈ તુમ આગે બઢોના નારા સાથે હરખ વ્યક્ત કર્યો હતો. 

રાજ્યપાલ શપથ લેવડાવશે, હાઇકમાન્ડ હાજર

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નવનિયુક્ત મંત્રીઓને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવશે. આ શપથગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિત ભાજપના તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહેશે.

નવા-જૂનાનો સમન્વય: ડેપ્યુટી CMની પણ ચર્ચા

મંત્રીમંડળમાં અનેક જૂના મંત્રીઓને ફરી તક  છે, જેમને નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે , જેનાથી મંત્રીમંડળનું કદ વધ્યું છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી બનાવવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે, જોકે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત નથી. મંત્રીમંડળમાં સામેલ થનાર ધારાસભ્યોને ફોનના માધ્યમથી જાણકારી આપી દેવાઈ હોવાની પણ ચર્ચા છે.

ચૂંટણી પહેલાં સંગઠનમાં નવી ઊર્જા લાવવાનો પ્રયાસ

સરકારના આ મોટા ફેરફારને આગામી મહત્ત્વપૂર્ણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને 2027ની વિધાનસભા ચૂંટણીઓ પહેલાં પક્ષના સંગઠન અને શાસનમાં નવી ઊર્જા અને નવા ચહેરાઓને તક આપવાની વ્યૂહરચનાના ભાગ રૂપે જોવામાં આવે છે. આ પગલું સત્તાવિરોધી લહેરને ઘટાડવા અને જ્ઞાતિ તથા પ્રાદેશિક સંતુલનને જાળવવા માટે ભાજપ હાઈકમાન્ડ દ્વારા લેવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.

Advertisement