આણંદ તાલુકાના ખેરડા ગામે ઈંટોના ભઠ્ઠા ઉપર રહીને મજુરી કામ કરતા મૂળ કરમસદ ગામના યુવકે ઈંટોના ભઠ્ઠાના માલિક પાસે ખર્ચીના પૈસા માંગતા ભઠ્ઠાના માલિક સહિત ત્રણ જણાંએ યુવક તેમજ તેની માતા, બહેન સહિતના પરિવારજનોને માર મારી ધમકીઓ આપતા ખંભોળજ પોલીસે મારામારીની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ખેરડા ગામે આવેલા એઆરબી બ્રીક્સના ભઠ્ઠામાં મૂળ કરમસદ જીઈબી સામે ઇન્દિરા નગરીના વતની વનરાજ હરિભાઈ વણઝારા પરિવાર સાથે ભઠ્ઠામાં રહી મજૂરી કામ કરી જીવન ગુજરાન ચલાવે છે. તેમણે ભઠ્ઠાના માલિક લાયકભાઈને ખર્ચીના પૈસા માગવા ફોન કર્યો હતો. પરંતુ તેમનો ફોન લાગ્યો નહોતો. જેને પગલે તેમણે લાયકભાઈના પિતા અને મહેતાજી પાસે ખર્ચીના પૈસા માંગ્યા હતા. આ બાબતને લઈને થોડી વાર પછી ભઠ્ઠા પર આવી પહોંચેલા ભઠ્ઠાના માલિક લાયકભાઈએ વનરાજ વણઝારા તેમજ તેમના માતા અને બેનને ડાબા હાથે લાકડાનો દંડો મારી ફેક્ચર કરી નાંખ્યું હતું. આ ઉપરાંત, પડોશમાં રહેતા કરણભાઈ સહિતના પરિવારજનોને માર મારી ખર્ચીના પૈસા માંગશો તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ બનાવ અંગે વનરાજ હરીભાઈ વણઝારાની ફરિયાદના આધારે ખંભોળજ પોલીસે એઆરબી બ્રીક્સના માલિક લાયકભાઈ સહિત ત્રણેય વિરૂદ્ધ મારામારીની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.