ખેતરમાં કે આસપાસ ગાજર ઘાસથી સાવધાન : ચામડીના રોગ અને લાંબી એલર્જીનો ખતરો
આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા ગાજરઘાસ જાગરૂકતા સપ્તાહ ઉજવણી અંતર્ગત ગાજરઘાસની હાનીકારક અસરો, તેના નિયંત્રણ અને નાબુદી માટે ખેડૂતો તથા વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. દર વર્ષે આઈ સી એ આર ડાયરેક્ટોરેટ ઓફ વીડ રીસર્ચ જબલપુર આયોજીત ગાજરઘાસ જાગરૂકતા સપ્તાહમાં હાનિકારક ગાજરઘાસનું કાયમી ધોરણે નિયંત્રણ કરવા સમાજને પ્રેરિત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. એગ્રોનોમીસ્ટ ડો. વી. જે પટેલે ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને ખેડુતોને ગાજરઘાસની આડઅસરો વિશે જણાવતા કહ્યું હતું કે, ગાજરઘાસ માનવ આરોગ્ય, ખેતી, પર્યાવરણ અને પશુધન માટે હાનિકારક હોય છે.

ગાજરઘાસના સતત સંપર્કમાં આવવાથી છોડમાં રહેલ પાર્થેનીન નામનાં ઝેરી રસાયણથી ચામડીના રોગ થાય છે. જ્યારે તેની એલર્જિક અસરથી આંખના પોપચા, ચહેરા અને ગરદનની આસપાસ ખંજવાળ આવવા સાથે લાલ ચકામાં જેવી સમસ્યા થાય છે. રાત્રે તેના સફેદ ફૂલ તારાની જેમ ચમકતા અને ફેલાતા હોવાથી તેને ચટક ચાંદની પણ કહેવાય છે. તેનો ફેલાવો અટકાવવા નમકયુક્ત પાણીનો ઉપયોગ કરી શકાય અથવા તો કુવાડિયાના છોડથી પણ તે ઓછો ફેલાય છે. ગાજરઘાસના સતત સંપર્કથી ક્રોનિક એલર્જીક એટલે લાંબા સમયની એલર્જી પણ થઇ શકે છે. જેમાં શરીરમાં ખંજવાળ, બળતરા અને ચામડી બરછટ થઇ જાય છે.
આ ઉપરાંત તેના ફૂલની પરાગરજ હવાના માધ્યમથી શ્વાસમાં જવાથી શ્વસનતંત્રના રોગ સહિત અસ્થમા જેવી સ્વાસ્થ્ય સંબંધીત બિમારીની સમસ્યાઓ થાય છે. ગાજરઘાસ જમીનમાંથી પુષ્કળ પ્રમાણમાં પોષકતત્વોનું શોષણ કરવાની શક્તિ ધરાવતું હોવાથી જમીનની કુદરતી ફળદ્રુપતામાં પણ ખૂબજ ઘટાડો કરે છે. તેના છોડના ઝડપી વિકાસથી અનાજ, શાકભાજી અને ફળો જેવાં પાકોની ઉપજ ઘટે છે. સાથે પાકને ઉગવામાં અને વિકાસમાં નડતર રૂપ બને છે.
માસ્ક અને હાથ મોજા પહેરીને છોડને ફૂલ આવતાં પહેલાં ઉખાડી નાખો
પશુઓ ચારા તરીકે ઉપયોગી ન હોવાથી તેનું સામ્રાજ્ય ઝડપથી વધે છે. તેના સામાન્ય છોડમાં આશરે 4 થી 5 હજાર જેટલા બીજ ઉત્પન્ન થાય છે. આ બીજ ભેજના સંપર્કમાં આવતા ઊગી નીકળે છે અને તે બારેમાસ થાય છે. તેના નિયંત્રણ માટે માસ્ક અને હાથ મોજા પહેરીને છોડને ફૂલ આવતાં પહેલાં ઉપાડી તેનો સંપૂર્ણ નાશ કરવો જોઇએ. બીનપાક વિસ્તાર અને પાક વિસ્તારમાં ભલામણ કરેલ નીંદણનાશકનો ઉપયોગ કરવો જોઇએ. તેના પર ફૂલ આવે તે પહેલા છંટકાવ કરવા જેથી બીજ ઉત્પાદન થકી થતો તેનો ફેલાવો અટકાવી શકાય અને જમીનમાં તેની બીજ બેંક ઘટાડી શકાય.