Advertisement

ખેડામાં આવતીકાલથી સરદાર પદયાત્રાનો પ્રારંભ

ખેડામાં આવતીકાલથી સરદાર પદયાત્રાનો પ્રારંભ

ખેડા જિલ્લામાં આવતીકાલ, 16 નવેમ્બરથી સરદાર પટેલ પદયાત્રા અને સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે ખેડા જિલ્લાના કમલમ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે વિગતવાર માહિતી આપી હતી. આ કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના ગુણોને જન-જન સુધી પહોંચાડવાનો છે, જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલા બે વર્ષના કાર્યક્રમોનો ભાગ છે.

સાંસદ દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે રાષ્ટ્ર અને રાજ્યભરમાં યોજાઈ રહેલી આ પદયાત્રાઓના ભાગરૂપે, ખેડા જિલ્લાના દરેક વિધાનસભા વિસ્તારમાં પણ આ કાર્યક્રમો યોજાશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સરદાર પટેલે દેશની આઝાદી પછી અખંડ ભારતના નિર્માણમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું. તેમણે કોંગ્રેસ પર સરદાર સાહેબ અને તેમના વ્યક્તિત્વને વર્ષો સુધી વિસારે પાડી અન્યાય કરવાનો આરોપ મૂક્યો હતો.

દેવુસિંહ ચૌહાણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોની સરાહના કરી હતી. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીએ સરદાર પટેલને આદર અને સન્માન મળે તે માટે સંનિષ્ઠ પ્રયત્નો કર્યા છે. તેના ભાગરૂપે જ ગુજરાતમાં કેવડિયા કોલોનીમાં સરદાર પટેલની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પદયાત્રાઓ અને સભાઓનો ઉદ્દેશ્ય નવી પેઢીને સરદાર સાહેબના ગુણો અને વિરાટ વ્યક્તિત્વનો પરિચય કરાવવાનો છે.

સાંસદ દેવુસિંહ ચૌહાણે જાહેરાત કરી કે ખેડા જિલ્લાની છ વિધાનસભામાં 16 થી 21 નવેમ્બર દરમિયાન આ સરદાર પટેલ પદયાત્રાઓ અને સરદાર સભાઓ યોજાશે. આ કાર્યક્રમો દ્વારા ખેડા જિલ્લામાં સરદાર સાહેબના વિચારોને મૂર્તિમંત કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

આ પત્રકાર પરિષદમાં ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી જાનવીબેન વ્યાસ, ગુજરાત સરકારના નવનિયુક્ત મંત્રી સંજયસિંહ મહિડા, નડિયાદના સીનિયર ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ અને જિલ્લા ભાજપ મહામંત્રી અપૂર્વભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement