Advertisement

ખંભાત ONGC શાળામાં બૉમ્બની અફવા, વાલીઓમાં દોડધામ

ખંભાત ONGC શાળામાં બૉમ્બની અફવા, વાલીઓમાં દોડધામ

ખંભાત શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલી ONGC પ્રાથમિક શાળામાં બૉમ્બ હોવાની અને બાળકોને ઉપાડતી ટોળકી આવી હોવાની અફવાઓ ફેલાઈ હતી. આ અફવાઓ વાયુવેગે પ્રસરતા વાલીઓ પોતાના બાળકોને લેવા માટે શાળાએ દોડી આવ્યા હતા.અફવાને કારણે ગભરાયેલા વાલીઓ પોતાના બાળકોને શાળામાંથી ઘરે લઈ ગયા હતા.

પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શાળાના શૈક્ષણિક સ્ટાફ દ્વારા તાત્કાલિક પોલીસની મદદ લેવામાં આવી હતી.માહિતી મળતા જ ખંભાત શહેરના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત પોલીસ જવાનો ONGC શાળા ખાતે પહોંચ્યા હતા. તેમણે સ્થળ પર તપાસ હાથ ધરી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

શાળાના વાઇસ પ્રિન્સિપાલ ભાનુપ્રસાદ વાટલીયાએ જણાવ્યું હતું કે, શાળામાં બૉમ્બ હોવાની કે બાળકોને ઉપાડતી ટોળકી આવી હોવાની વાત માત્ર અફવા છે. આવી કોઈ ઘટના શાળામાં બની નથી.તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, શાળાનું શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ ચાલુ જ છે અને આવતીકાલે પણ નિયમિત રીતે ચાલુ રહેશે.

વાલીઓએ કોઈપણ અફવાઓમાં ન આવવું અને સમયસર પોતાના બાળકોને શાળાએ મોકલવા તેમણે અનુરોધ કર્યો હતો. શાળાના ગેટ પર સુરક્ષા વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે.

Advertisement